Ahmedabad

નવનિયુક્ત પોલીસ જવાનો રિવરફ્રન્ટ ઉપર લઘુશંકા કરવા મજબૂર !

અમદાવાદ,તા.૧૮

રાજ્યના ૧૮,ર૧૭ પોલીસ જવાનોને નિમણૂકપત્ર વિતરણના કાર્યક્રમમાં એક તરફ મુખ્યમંત્રી શિસ્તની વાતો કરતા હતા. ત્યાં બીજી બાજુ કાર્યક્રમમાં અવ્યવસ્થાને લીધે રિવરફ્રન્ટ ઉપર જ પોલીસ જવાનો ખુલ્લેઆમ પેશાબ કરતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ  ગુજરાત  સરકાર દ્વારા  રાજયમાં ૧૮,ર૧૭ પોલીસ જવાનોને નિમણૂકપત્ર વિતરણના કાર્યક્રમમાં પાલડી એનઆઈડી પાછળ રિવરફ્રન્ટ ખાતે બાંધવામાં આવેલા ડોમ પોલીસ કર્મીઓની ભરચક હતો. ત્યારે આયોજનના અભાવને લીધે પોલીસ જવાનોને કાળઝાળ ગરમીમાં ગરમ પાણી પીવાનો વારો આવ્યો હતો. હજારોની સંખ્યામાં પોલીસ કર્મીઓને નિમણૂકપત્રો આપવાના હોય ત્યારે ટોઈલેટની વ્યવસ્થામાં ખામી રહી ગઈ હોવાનું સામે આવ્યું હતું. તેથી હાજર  પોલીસ જવાનો રિવરફ્રન્ટ ઉપર જ ખુલ્લેઆમ પેશાબ કરવા માટે મજબૂર બન્યા હતા. અત્રે નોંધનીય છે કે આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ એકઠા થવાના હોય ત્યારે તંત્ર  દ્વારા આયોજનની પૂરતી ચોકસાઈ રાખવામાં ના આવે તેને બેદરકારી કહેવી કે ખામી ??