ઓવલ,તા.૨૫
ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ઓવલ ખાતે એક ઇનિંગ્સ અને ૬૫ રને હરાવ્યું હતું. આ સાથે જ યજમાન ટીમે બે ટેસ્ટની સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ૫૫ રનમાં ૩ વિકેટના સ્કોરથી અંતિમ દિવસની શરૂઆત કરનાર ઇંગ્લિશ ટીમ ૧૯૭ રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝ માટે ફાસ્ટ બોલર નીલ વેગનરે ૪૪ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
વેગનરના સ્પેલમાં ઇંગ્લિશ ફેલ થયું હતું. તેણે ૧૭ બોલમાં ૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. પરિણામ રૂપે ઇંગ્લેન્ડ ૧૩૨/૫થી ૧૩૮/૮. તેણે સ્ટુઅર્ટ બ્રોડને એલબીડબ્લ્યુ કરીને ટેસ્ટ ક્રિકેટમાં આઠમી વાર પાંચ વિકેટ હોલ પૂરો કર્યો હતો. વેગનર સિવાય મિચેલ સેન્ટનરે પણ બીજી ઇનિંગ્સમાં સદી માર્યા પછી બોલ સાથે સારો દેખાવ કરતા ત્રણ વિકેટ લીધી હતી. કોલીન ડી ગ્રાન્ડહોમ અને ટિમ સાઉથીએ એક-એક વિકેટ લીધી હતી. બંને વચ્ચે બીજી ટેસ્ટ ૨૮ નવેમ્બરે હેમિલ્ટન ખાતે રમાશે.