(એજન્સી) તા.૧૪
જે એનજીઓ વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા અને સ્વીકારવા માગતાં હશે તેમણે હવે કડક નિયમોનો સામનો કરવાનો રહેશે કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે બિનસરકારી સંગઠનો એટલે કે એનજીઓ હવે વિદેશથી ત્યારે જ ડોનેશન કે નાણા ભંડોળ સ્વીકારી શકશે કે જ્યારે તેમના રજીસ્ટ્રેશનને ત્રણ વર્ષ પૂરા થયાં હોય અને આ ત્રણ વર્ષ દરમિયાન તેમણે સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ પાછળ રૂા.૧૫ લાખ ખર્ચ્યા હોય. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નોટિફીકેશનમાં એવું પણ જણાવ્યું છે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટર એક્ટ (એફસીઆરએ) હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા ઇચ્છતા એનજીઓએ હવે દાતાઓ તરફથી એક વિશેષ વચન પત્ર પણ દાખલ કરવું પડશે જેમાં વિદેશી ભંડોળની રકમ અને તે આપવા પાછળના હેતુનો પણ ઉલ્લેખ કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં સુધારાના લગભગ બે મહિના બાદ એફસીઆરએ નિયમો જારી કરવામાં આવ્યાં હતાં જેમાં એનજીઓના પદાધિકારીઓ માટે આધાર નંબર ઉપલબ્ધ કરાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. કાર્યાલય ખર્ચ ભંડોળની રકમના ૨૦ ટકા સુધી લઇ જવામાં આવ્યો હતો અને ચૂંટણી ઉમેદવારો, સરકારી અધિકારીઓ, કોઇ વિધાનસભા કે રાજકીય પક્ષના સભ્યો પાસેથી વિદેશી ડોનેશન મેળવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિદેશી ડોનેશન પ્રાપ્ત કરવાની પૂર્વ મંજૂરી મેળવવા માટે કોઇ પણ એનજીઓ અથવા વ્યક્તિનું પોતાનું એફસીઆરએ એકાઉન્ટ હોવું જરુરી છે. ભારતીય એનજીઓ અને વિદેશી દાતાઓમાં સંયુક્ત સભ્ય હોવાની સ્થિતિમાં ભારતીય વ્યક્તિ અથવા સંગઠનને પૂર્વ મંજૂરી ત્યારે આપવામાં આવશે જ્યારે તેઓ કેટલીક શરતોની પૂર્તતા કરશે. જેમ કે એનજીઓના ચીફ એક્ઝિક્યુટીવ દાતા સંગઠનના ભાગરુપ હોવા જોઇએ નહીં. એનજીઓના સંચાલક મંડળના ૭૫ ટકા પદાધિકારી કે સભ્ય વિદેશી દાતા સંગઠનના સભ્ય કે કર્મચારી હોવા જોઇએ નહીં.
વિદેશી દાતા સંગઠન એક જ વ્યક્તિ હોય તો એવી સ્થિતિમાં તે એનજીઓના ચીફ એક્ઝિક્યુટીવ કે પદાધિકારી હોવા જોઇએ નહીં. સિંગલ વિદેશી દાતા હોવાની સ્થિતિમાં એનજીઓના સંચાલક મંડળના ૭૫ ટકા પદાધિકારીઓ અથવા સભ્યો દાતાના પારિવારીક સભ્ય કે નજીકના સંબંધી હોવા જોઇએ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૬-૧૭ અને ૨૦૧૮-૧૯માં રજીસ્ટર્ડ એનજીઓને ૫૮ કરોડનું વિદેશી ડોનેશન પ્રાપ્ત થયું હતું. દેશમાં અત્યારે લગભગ ૨૨૪૦૦ એનજીઓ છે.