(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.૩૦
ગોલ્ડન બ્રિજનાં અંકલેશ્વર તરફના છેડે ડામર ડમ્પ કરી નદીમાં અવરોધ ઊભો કરવા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. સાથે સ્થાનિક એસડીએમ અને પર્યાવરણ સમિતિને પણ આ બાબતથી અવગત કરવામાં આવ્યા હતા. જેના પગલે સ્થાનિક પર્યાવરણ સમિતિ દ્વારા બ્રિજનાં કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ રાજ્ય સરકાર અને એન.જી.ટીમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અગાઉ પણ માટી પુરાણ કરી વહેતા પાણીમાં અવરોધ ઊભો કરવા બાબતે ફરિયાદ થઇ હતી. ત્વરિત અસરથી પગલાં ભરવા તેમજ ડમ્પ થયેલા ડામર ઉઠાવીલેવા માંગ કરવામાં આવી છે. નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ દ્વારા કાયદાની રૂહે ન્યાયની માંગ કરતા વહીવટી તંત્રમાં દોડધામ પામી હતી.
પુલ મેસર્સ રણજીત બિલ્ડકોન દ્વારા તાજેતરમાં સપ્તાહ પૂર્વે નર્મદા નદીના પટ્ટમાં તેની મશીનરી બનાવવા માટે નદીના પટમાં ઉખાડેલો, ખોદેલો ડામર તેમજ રોડનો કાટમાળ ડમ્પ કર્યો હતો. જેનાથી પર્યાવરણ અને પાણી અધિનિયમનના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હતું. જે બાબત ઉપર કનેક્ટ ગુજરાતની ટીમની નજર પડતાં આ અંગે સ્થાનિક એસડીએમ ભગોરાને અવગત કર્યા હતા. જે બાજ એસડીએમ દ્વારા બ્રિજનું કામ કરતી એજન્સીનાં એન્જિનિયરોને આ બાબતે પૃચ્છા કરી સત્વરે ડામર હટાવી લેવાની સૂચના પણ આપી હતી.
તો બીજી તરફ નર્મદા બચાવો સમિતિને પણ આ બાબતે ધ્યાન દોરતાં આખરે રાજ્ય સરકારમાં અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રિયુબનલ કોર્ટમાં ફરિયાદ નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિના જયેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.