(એજન્સી) તા.૨૨
પશ્ચિમ બંગાળના મંત્રી સિદ્ધિકુલ ચૌધરીએ મંગળવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ) અને નરેન્દ્ર મોદીની સરકાર પર આરોપ મૂક્યો હતો કે તેઓ મુસ્લિમ સમુદાયને આતંકવાદના નામે બદનામ કરવાના સતત પ્રયાસો કરે છે. તાજેતરમાં જ આતંકી સંગઠન અલ કાયદા સાથે સાંઠગાંઠનો આરોપ મૂકીને ૧૦ જેટલાં મુસ્લિમ યુવાઓની એનઆઈએએ ધરપકડ કરી લીધી હતી જે મામલે સિદ્ધિકુ ચૌધરીએ આ આકરી પ્રતિક્રિયા આપી હતી. ચૌધરી માસ એજ્યુકેશન એક્સટેન્શન અને લાઈબ્રેરી સેવાની જવાબદારી સંભાળે છે.
તેમણે પત્રકાર પરિષદને સંબોધતી વખતે કહ્યું હતું કે મુસ્લિમ સમુદાયને અપમાનિત કરવા અને તેને બદનામ કરવાના ઈરાદે જ એનઆઈએએ મુસ્લિમ યુવાઓની ખોટી રીતે ધરપકડ કરી લીધી છે. મુસ્લિમોને ખોટી રીતે ફસાવીને ભાજપ ખોટાં ઉદાહરણો બેસાડીને વોટ મેળવવા માગે છે.
તેમની પાસે આ મુસ્લિમ યુવાઓ સંબંધિત કોઇ ડેટા નથી. ભાજપનો અગાઉનો રેકોર્ડ પણ સારો રહ્યો નથી. મંત્રીએ વધુમાં કહ્યું કે એનઆઈએ જે પણ કરી રહ્યું છે તે એક પ્રકારે યુદ્ધ સમાન છે. સવારે વહેલા વહેલા એનઆઈએના ૧૨થી ૧૩ અધિકારીઓ કાફલા સાથે ગામમાં ધસી આવે છે અને નિર્દોષ લોકોની ધરપકડ કરી લે છે.
રાજ્યની પોલીસ પણ આ મામલે નિષ્ક્રિય સાબિત થઈ કેમ કે તેને આ મામલે કોઈ જાણકારી હતી જ નહીં. તેમણે કહ્યું કે અત્યાર સુધી તો ધરપકડ કરાયેલા યુવાઓના પરિવારજનોને એ પણ માહિતી આપવામાં આવી નથી કે તેઓને ક્યાં પકડીને રાખવામાં આવ્યા છે? જે યુવાઓની ધરપકડ કરવામાં આવી છે તેમનો ગુનો શું છે? તે અંગે પણ એનઆઈએએ હજી કોઈ ખુલાસો કર્યો નથી.