(એજન્સી)
અમદાવાદ, તા.ર૯
ગણતંત્ર દિવસ અગાઉ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ સુરત અને વલસાડમાં બે દિવસથી ધામા નાંખ્યા હતા અને હરિયાણાના પાલવલ ગામમાં બંધાયેલી મસ્જિદ માટે હવાલા દ્વારા રૂા.૭૦ લાખના ટેરર ફંડિંગના પુરાવા શોધ્યા હતા. પણ એનઆઈએની ટીમ ખાલી હાથ પાછી ફરી હતી તેમને આવી કોઈ સાંઠગાંઠના પુરાવા મળ્યા ન હતા.
સેન્ટ્રલ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએને શંકા હતી કે, હાલ દુબઈમાં રહી રહેલા પાકિસ્તાની નાગરિક કામરાન દ્વારા આ ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. કામરાન લશ્કરે તોયબાના પ્રમુખ હાફિઝ સઈદ સાથે સંબંધ ધરાવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ કેસમાં એનઆઈએ દ્વારા મસ્જિદના ઈમામ પર વર્ષીય મુહમ્મદ સલમાન તથા હરિયાણાના મુહમ્મદ સલીમ તથા સજ્જાદ વાનીની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, એનઆઈએની ટીમે ટેરર ફંડિંગ અંગે તથા બંનેની સંડોવણી મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. પણ તોયબા દ્વારા ફંડિંગ કરાયાની કોઈ સાબિતી મળી ન હતી. જો કે એનઆઈએએ હજુ તપાસ જારી રાખશે.