(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
ભારે હોબાળા બાદ લોકસભામાં સોમવારે ‘એનઆઇએ સંશોધન બિલ ૨૦૧૯’ પસાર કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ને ભારત બહાર ગંભીર અપરાધના સંબંધમાં કેસની નોંધણી કરવા અને તપાસનો નિર્દેશ આપવાની જોગવાઇ છે. નીચલા સદનમાં ચર્ચા દરમિયાન જવાબ આપતા ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, આજે જ્યારે દેશ અને દુનિયાએ આતંકવાદના ખતરા સામે પહોંચી વળવાનું છે ત્યારે એનઆઇએ સંશોધન ખરડાનો ઉદેશ્ય તપાસ એજન્સીને રાષ્ટ્રીય હિતમાં મજબૂત બનાવવાનો છે. આ પહેલા બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે તીખી ચર્ચા થઇ હતી. વિપક્ષની શંકાનો જવાબ આપતા શાહે જણાવ્યું હતું કે, આ કાયદાનો ઉપયોગ આતંકવાદને સમાપ્ત કરવા માટે કરાશે પરંતુ એ પણ જોવામાં નહીં આવે કે આ કામ કયા ધર્મની વ્યક્તિએ કર્યું છે. શાહે જણાવ્યું કે, ૨૦૦૪ અને ૨૦૦૮ની વચ્ચે જ્યારે આતંકવાદની ઘટનાઓ વધી ત્યારે તે વખતનીયુપીએ સરકારે એનઆઇએ લાવવું પડ્યું હતું. ઓવૈસીને જવાબ આપતા શાહે કહ્યું કે જ્યારે તમે એક આંગળી કોઇની સામે દેખાડો છો ત્યારે આંગળી તમારા તરફ પણ ઉઠે છે. આતંકવાદને કોઇ ડાબે જમણે હોતું નથી, આતંકવાદ એ આતંકવાદ છે.
રેડડ્ડીએ જણાવ્યું હતું કે, આતંકવાદને કોઇ ધર્મ, જાતિ કે, ક્ષેત્ર નથી હોતા. આ માનવતા વિરૂદ્ધ છે. તેની વિરૂદ્ધ લડવાની સરકાર, સંસદ અને તમામ રાજકીય દળોની જવાબદારી છે. રેડ્ડીએ કેટલાક સભ્યો દ્વારા જમણેરી આતંકવાદ અને ધર્મનો મુદ્દો ઉઠાવવાના સંદર્ભમાં કહ્યું હતું કે, સરકાર હિંદુ, મુસ્લિમની વાત નથી કરતી. સરકારે દેશની ૧૩૦ કરોડ જનતાએ પોતાની સુરક્ષાની જવાબદારી સોંપી છે અને જેને ચોકીદારના રૂપમાં વડાપ્રધાન મોદીને સ્વીકાર કર્યા છે. દેશની સુરક્ષા માટે સરકાર હંમેશા આગળ રહેશે. રેડ્ડીએ જણાવ્યું કે, સરકાર આતંકવાદને ધરમૂળથી ઉખેડી ફેંકવાની જવાબદારી હાથમાં લેશે. એનઆઇએને શક્તિશાળી એજન્સી બનાવાશે. સદને મંત્રીના જવાબ બાદ વિપક્ષના કેટલાક સભ્યોના સંશોધનોને ફગાવતા ખરડાનો ધ્વનિમતથી પસાર કરી દીધો હતો. આ પહેલા ખરડાને વિચારણા માટે સદનમાં રજૂ કરવાને મુદ્દે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મત-વિભાજનની માગ કરી હતી.

NIAની તપાસનો દાયરો કઈ રીતે વધશે ?

ગૃહરાજ્ય મંત્રી રેડ્ડીએ કહ્યું કે, યુપીએના સમયમાં જ એનઆઇએ કાયદામાં ઘણા કાયદા જોડવામાં આવ્યા હતા પણ તે સમયે તેના પર યોગ્ય રીતે કામ નથી થયું અને અમે સંશોધનથી તેને ઉન્નત બનાવી રહ્યા છીએ. એનઆઇએએ ૨૭૨ કેસોમાં ફરિયાદ દાખલ કરીને તેની તપાસ હાથ ધરી. આમાંથી બાવન કેસોમાં ચુકાદા આવી ગયા અને ૪૬ દોષસિદ્ધી થઇ ગઇ. ૯૯ કેસોમાં આરોપનામા દાખલ થઇ ગયા. પ્રસ્તાવિત ખરડાથી એનઆઇએ તપાસનો દાયરો વધારી શકાશે અને તે વિદેશોમાં પણ ભારતીય તથા ભારતીય સંપત્તિઓ સાથે જોડાયેલા મામલાઓની તપાસ કરી શકશે જેને આતંકવાદનો નિશાન બનાવ્યું હોય. આમાં માનવ તસ્કરી અને સાયબર અપરાધ જેવા વિષયોની તપાસનો અધિકાર આપવાની વાત છે.કાયદાની કલમ ૩ની પેટા કલમ બેનું સંશોધન કરીને એનઆઇએના અધિકારીઓની એવી શક્તિઓ, કર્તવ્ય, વિશેષાધિકાર અને જવાબદારી આપવાની વાત કરવામાં આવી છે જે ગુનાઓની તપાસના સંબંધમાં પોલીસ અધિકારીઓ દ્વારા ભારતમાં જ નહીં પણ દેશ બહાર પણ ઉપયોગમાં લેવાઇ રહી છે. આમાં ભારત બહાર કોઇ અપરાધના સંબંધમાં એજન્સીને કેસની નોંધણી અને તપાસનો નિર્દેશ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.