લુણાવાડા, તા. ર૩
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિને નિયમિત મળતી જિલ્લા સંકલન-વ ફરિયાદ સમિતિ ભાગ-૧ અને ભાગ-૨ ની બેઠક જિલ્લા કલેક્ટર વિજયસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
આ બેઠકમાં અરજદારની પડતર અરજીઓ, નાગરિક અધિકારપત્રોની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાની વસૂલાત, તુમાર નિકાલ ઝુંબેશ, સરકારી કર્મચારીઓના બાકી પેન્સન કેસ, કુપોષિત બાળકોને બહાર લાવવા વગેરે બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વન વિભાગના અધિકારી પરમારે આગામી વન મહોત્સવ-૨૦૧૮ કાર્યક્રમ સંતરાપુર તાલુકાના માલવણ ખાતે યોજવા અંગેની ચર્ચા કરાઇ હતી, તેમજ હાલમાં ચાલી રહેલ કલા મહાકુંભ-૨૦૧૮ અંગે રમત-ગમત અધિકારી મયુર બાળા દ્વારા જાણકારી આપવામાં આવી હતી, ૧૬મી જુલાઇ-૧૮થી ઓરી રૂબેલા રશીકરણ ઝુબેશની જાણાકારી જિલ્લા આરોગ્ય અધિકારી શાહે આપી હતી, તેમજ જિલ્લા ડીઝાસ્ટર મેનજમેન્ટ અને કડાણા યોજના વર્તુળના કાર્યપાલક ઇજનેર દ્વારા જિલ્લામાં થયેલ વરસાદના આંકડા અને જિલ્લાના જળાશયોની હાલની સપાટીની જાણકારી આપી હતી.
આ બેઠકમાં લુણાવાડાના ધારાસભ્યશ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષાબેન રાડા, અધિક કલેક્ટર આર.આર. ઠક્કર, ડી.આર.ડી.એ ડાયરેકટર જાદવ, જિલ્લા આયોજન અધિકારી ચૌહાણ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.