(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૩૧
દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં પણ ચોટલી કાપવાની ઘટનાઓ જોર પકડી રહી છે.અત્યાર સુધી મહિલાઓની ચોટલીઓ કાપવાની ઘટના બનતી હતી પરંતુ આણંદ શહેરમાં સ્ત્રીઓના નહી પરંતુ આજે પુરૂષના વાળ કાપવાની તેમજ રાખના લાડુ મુકવાની ઘટના બનતા અનેક તર્કવિતર્કો સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.શહેરમાં મંગળપુરાના સાત ઓરડી વિસ્તારમાં બનેલી ઘટનાના અનુસંધાનમાં ટાઉન પોલીસે જાણવાજોગ નોંધ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ચકચારીત ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આણંદ શહેરમાં મંગળપુરાના સાત ઓરડી વિસ્તારમાં રહેતા જયંતિભાઈ સોમાભાઈ ચાવડા આણંદમાં એગ્રીકલ્ચર યુનિ.માં ખેતીવાડીમાં કામ કરે છે.તેઓ ગતરાત્રીના સુમારે ગણેશ સ્થાપનામાં ભજન કાર્યક્રમમાં હાજરી આપી ઘરે આવીને સુઈ ગયા હતા ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે અચાનક તેમના માથાના વાળ કોઈએ ખેંચતા હોવાનો અનુભવ થતા તેઓ જાગી ગયા હતા અને બુમાબુમ કરી મુકી હતી પરંતુ આસપાસમાં કોઈ જોવા મળ્યું ન હતું.ઓસરીની લાઈટ ચાલુ કરીને જોતા ત્યાં તેમના વાળની લટોની ચોટલીઓ કાપેલી જોવા મળી હતી અને સાથે રાખના બનેલા બે લાડવા મુકેલા હતા.આ દ્રશ્ય જોતા તેઓ બેભાન થઈ ગયા હતા.દરમ્યાન આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.
ઘટના ચોટલી કાપવાની હોવાનું જણાતા તંત્ર,મંત્રની ક્રિયાના ભાગરૂપે આમ કરવામાં આવ્યું હોવાની આશંકાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું હતું.ઘટના અંગે આણંદ શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ તપાસ કરી આ બાબતે જયંતિભાઈ અને તેમના પરિવારના સભ્યોની વિસ્તૃત પુછપરછ હાથ ધરી જાણવાજોગ નોંધ દાખલ કરી છે.આ અંગે જયંતિભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મારા વાળ કોને કાપ્યા શા માટે કાપ્યા તેની મને કંઈ ખબર નથી. વહેલી સવારે ચાર વાગ્યે મારા માથાના વાળ ખેંચાતા હું સફાળો જાગી ગયો હતો પરંતુ ત્યાં કોઈ દેખાયું ન હતું.જેથી જયંતિભાઈના વાળ કાપવા તેમજ રાખના લાડુ મુકવાની ઘટનાએ આણંદ શહેરમાં ચકચાર જગાવી મુકી છે.અત્યાર સુધી માત્ર સ્ત્રીઓના વાળ કાપવામાં આવતા પહેલીવાર પુરૂષના વાળ કાપવાની ઘટના બનતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.