(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.રર
કેરળમાં નિપાહ વાયરસથી વધુ બેનાં મોત થયા છે અને બેની સ્થિતિ ગંભીર હોવાની રાજ્ય સરકારે પુષ્ટિ કરી છે. ઈન્ફેકશન કોઝીકોડ ખાતે એક પરિવાર દ્વારા ફેલાયું હોવાનું મનાય છે. જેમાં બે ભાઈ અને એક મહિલાનું મોત થયું હતું. સૂત્રો કહે છે કે, ૯૪ લોકોને તેમના ઘરે સારવાર અપાઈ રહી છે. ૯ લોકો હોસ્પિટલમાં દેખરેખ હેઠળ છે. છેલ્લા ર૪ કલાકમાં કોઈ નવો કેસ આવ્યો નથી. તેમ કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ કહ્યું છે. ૧૮ લોહીના નમૂના લેવાયા જેમાં ૧ર પોઝિટીવ આવ્યા.
નિપાહ વાયરસને લગતા ૧૦ મુદ્દાઓ
૧. જે લોકોના મોત થયા છે તેઓ કોઝીકોડ અને મલ્લાપુરમના છે. ૮ કોઝીકોડમાં મોતને ભેટયા છે જ્યાં ગામમાં એક ઘર તેનું એપી સેન્ટર છે.
ર. ખેરામબરા ખાતે એક પરિવારમાં આ ઈન્ફેકશન ફેલાયું હતું. જેમને હોસ્પિટલમાં નિપાહના વાયરસના લક્ષણો જોવા મળ્યાભ હતા.
૩. પરિવારના બે ભાઈઓના મોત થયા હતા. મે પના રોજ પરિવારની મહિલાનું પણ હોસ્પિટલમાં મોત થયું.
૪. ઘરમાં આવેલ કૂવામાં મરેલું ચામાચીડિયું જોવા મળ્યું. જે ઈન્ફેકશનનું કારણ મનાય છે. અધિકારીઓએ ઘરની મુલાકાત લઈ કૂવાને સીલ કરી દીધો છે.
પ. બે ભાઈઓના પિતાની સ્થિતિ કટોકટીભરી છે. પરિવારના સંપર્કમાં આવેલા લોકોને ચેપ લાગ્યો હતો.
૬. મલ્લાપુરમના વતની સિન્ધુ અને સીજીથા કોઝીકોડી મેડિકલ કોલેજમાં સારવાર માટે આવ્યા હતા ત્યારે નિપાહ વાયરસના દર્દીના સંપર્કમાં આવતા મોતને ભેટયા.
૭. દર્દીઓની સારવાર કરી રહેલ નર્સનું ચેપ લાગવાથી મોત થયું. મૃતક નર્સને નિપાહ ચેપ લાગવાથી અલાયદા વોર્ડમાં રખાઈ હતી. જ્યાં તેણીએ પતિને હૃદયસ્પર્શી પત્ર લખ્યો હતો. તે મોતને ભેટી કે તરત જ તેની અંતિમવિધિ કરાઈ હતી જેથી વાયરસ ફેલાય નહીં. પરિવારને મળી શકી ન હતી.
૮. આ વાયરસની હજુ કોઈ રસી શોધાઈ નથી. ડૉક્ટરનું કહેવું છે કે, આ વાયરસ ઝડપી ફેલાઈ જાય છે અને ૭૦ ટકા કેસો મોતને ભેટે છે.
૯. નિપાહ વાયરસથી શ્વાસમાં તકલીફ થાય છે. મગજમાં સોજો આવે છે જેથી વ્યક્તિ બેભાન બની જાય છે.
૧૦. ૧૯૯૮માં મલેશિયામાં નિપાહ વાયરસ ફાટી નીકળ્યો હતો. ર૦૦૪માં બાંગ્લાદેશમાં પણ ફેલાયો હતો. ચામાચીડિયા દ્વારા ચેપી ફળો ખાવાથી ફેલાયો હતો.