(એજન્સી) તિરૂવનંતપુરમ,તા.ર૪
કેરળમાં નિપા વાયરસના કારણે થયેલ મૃત્યુનો આંક ગુરૂવારે સવારે વધીને ૧૧ થયો છે. કોઝીકોડના નિવાસી ૬૧ વર્ષીય વી. મુસા વાયરસના ચેપના કારણે મૃત્યુ પામ્યા છે. અગાઉ તેમના પરિવારના ત્રણ લોકો મૃત્યુ પામી ચૂકયા છે. કોઝીકોડ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે તપાસ માટે મોકલાયેલા ૧૬૦ નમુનાઓમાંથી ૧૩ વાયરસયુકત હોવાના અહેવાલ છે. આ ૧૩ કેસમાંથી ૧૧ના મૃત્યુ થયા છે. મુસાના મૃત્યુ પહેલા બુધવારે સાંજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મૃત્યુઆંક ૧૧ હોવાની માહિતી આપી હતી. પરંતુ તમામ કેસમાં નિપા વાયરસ જવાબદાર હોવા અંગે સ્પષ્ટતા કરી ન હતી.
રાજય સરકારે પ્રવાસીઓને કોઝીકોડ મલપપુરમ, વાયંદ અને કન્નુરની મુલાકાત લેવાનું ટાળવા સુચન કર્યું છે. હજુ ૮ દર્દીઓ સારવાર હેઠળ છે. આ મુદ્દે વાતચીત કરવા માટે સરકારે શુક્રવારે તમામ પક્ષોની બેઠક બોલાવી છે તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાઓમાંથી વિશેષજ્ઞોની ટુકડી બોલાવવામાં આવી છે.

નિપાહ વાયરસ કેરળની હદ પાર કરી
કર્ણાટક પહોંચ્યો હોવાનો ભય

(એજન્સી) બેંગ્લુરૂ,તા.ર૪
કર્ણાટકમાં સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા મુજબ મગજને નુકસાન પહોંચાડનાર નિપા વાયરસના બે શંકાસ્પદ દર્દીઓને સાવરાર હેઠળ ખસેડાયા છે. આ વાયરસ અત્યાર સુધી કેસમાં ૧૧નો ભોગ લઈ ચુકયો છે. કેરળ પ્રવાસથી પરત ફરેલા મેંગ્લુરૂ નિવાસી ર૦ વર્ષીય યુવતી મે. ૭પ વર્ષીય વ્યકિતને નિપા વાયરસનો ચેપ લાગ્યો હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ આ અંગે કોઈ પૃષ્ટિ થઈ નથી. દર્દીઓના લોહીના નમુના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કેરળના રાજય સ્વાસ્થ્ય અધિકારી રાજીવ સદાનંદને કેરળના પ્રવાસીઓ માટે સુરક્ષિત જાહેર કર્યું હતું. નિપા પ્રભાવિત ચાર જિલ્લાની મુલાકાત ન લેવા સૂચન કર્યું હતું. હવે આ વાયરસ કર્ણાટકમાં પગપેસારો ન કરે તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.