(એજન્સી) કેરળ, તા.૧
કેરળમાં જાનલેવા નિપાહ વાયરસના ચેપને કારણે વધુ ત્રણનાં મોત સાથે મૃત્યુઆંક ૧૭ પર પહોંચ્યો છે. સૂત્રો મુજબ, કેરળના કરાસેરીના ર૮ વર્ષીય અખિલ, પ્લાઝીના મધુસુદન અને નદુવન્નૂરના રપ વર્ષીય રાસિનને તીવ્ર તાવની ફરિયાદ થતા અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની લોહીની તપાસમાં નિપાહ વાયરસગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ હતી.
કેરળના કોઝીકોડ અને મલ્લાપુરમ જિલ્લામાં નિપાહ વાયરસને કારણે પાંચ મે સુધીમાં ૧૪ લોકોનાં મોત થયા હતા. આ સિવાય કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નિપાહની ઝપટમાં આવેલ ૧૧ અન્ય દર્દીઓને ગહન નિરીક્ષણમાં રાખવામાં આવ્યા છે. રાજ્યની વિભિન્ન હોસ્પિટલોમાં ૧૩પ૩ લોકોની આરોગ્ય સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, નિપાહના ઈલાજ માટે અસરકારક દવાઓ ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવી રહી છે. સૂત્રો મુજબ નિપાહના અસરકારક ઈલાજ માટે હ્યુમન મોનોક્લોરીન બે દિવસમાં આવવાની સંભાવના છે. જેના માટેની જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરી લેવામાં આવી છે.