(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી કરી ભાગેલા હિરાના વેપારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઇનકાર કરી દીધો છે. પ્રિવેંશન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ કોર્ટને આપેલા જવાબમાં નીરવે કહ્યું કે, તે સુરક્ષાના કારણોસર ભારત પાછા ફરી શકે તેમ નથી. પ્રવર્તન નિદેશાલયે ભાગેડું જાહેર કરવાની એપ્લિકેશનના જવાબમાં નીરવે કોર્ટને આપેલા જવાબમાં જણાવ્યું છે.
નીરવ મોદીએ કહ્યું કે, મેં કંઇ ખોટું કર્યું નથી. પીએનબી કૌભાંડ સિવિલ ટ્રાન્જેક્શન હતું અને તેને આ કેસમાં અલગથી વળાંક આપવામાં આવી રહ્યો છે. હું સુરક્ષાના કારણોસર દેશમાં પાછો ફરી શકું તેમ નથી. આ વચ્ચે શુક્રવારે પ્રવર્તન નિદેશાલયે થાઇલેન્ડમાં નીરવ મોદીની ૧૩.૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. પ્રવર્તન નિદેશાલય (ઇડી)એ ગત વર્ષ નવેમ્બરમાં નીરવ મોદીની દુબઇમાં ૫૬ કરોડ રૂપિયાની ૧૧ સંપત્તિ જપ્ત કરી હતી. ગત વર્ષ ઓક્ટોબરમાં તપાસ એજન્સીએ મોદી અને તેના પરિવારના સભ્યોની ૬૩૭ કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી. તેમાં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક સ્થિત તેમના બે એપોર્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે.