(એજન્સી) વૉશિંગ્ટન, તા.૩૦
નીરવ મોદીએ એક હીરાને દુનિયાભરમાં ફેરવ્યો હતો. ૩ કેરેટના એક જ હીરાને નીરવ મોદીની શંકાસ્પદ કંપનીઓને ચાર વાર મોકલવામાં આવ્યો હતો. ૨૦૧૧માં પાંચ વખત આવું થયું. રાઉન્ડ ટ્રિપિંગની આ રમત જ સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ (પીએનબી ફ્રોડ)નું મૂળ હતું. અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન અને ન્યાય વિભાગના વકીલની તપાસમાં આ બહાર આવ્યું છે. બ્લુમબર્ગે આ રીપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે નીરવે ૨૦૧૧થી ૨૦૧૭ વચ્ચે કુલ ૨૧.૩૮ કરોડ ડોલરના બનાવટી બિલ્સ બનાવ્યા હતા. તેના આધાર પર તે લેટર ઓફ અન્ડરટેકિંગ્સ મારફત પંજાબ નેશનલ બેન્કમાંથી લોન લેતો રહ્યો હતો.
વેચાણમાં તેજીના નામે છેતરપીંડીથી નીરવ મોદી અને તેના સહયોગીઓએ અનેક દેશોમાંથી ૪ અબજ ડોલરની લોન લીધી. તેના માટે ૨૦ બનાવટી કંપનીઓ મારફત લેણ દેણ બતાવવામાં આવી. પછી તેને હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશન નામની શેલ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત ૧૧ લાખ ડોલર બતાવવામાં આવી. આ બંને કંપનીઓનો માલિક પરોક્ષ રીતે ખુદ નીરવ મોદી જ હતો. બે સપ્તાહ પછી આ હીરાને સોલર એક્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત ૧.૮૩ લાખ ડોલર બતાવવામાં આવી. સોલર એક્સપોર્ટ પણ નીરવ મોદી ફેમિલી ટ્રસ્ટની પાર્ટનરશિપની કંપની હતી, જે ફાયરસ્ટાર ડાયમન્ડની માલિકીની હતી.