(એજન્સી) નવી દિલ્હી,તા.૧
દેશના સૌથી મોટા બેન્કિગ કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નિરવ મોદી સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીમાં ભારતીય એજન્સીએ સફળતા મેળવી છે. ભારત સહિત પાંચ દેશોમાં તેની વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવ્યા છે. નિરવ મોદી સહિત તેના પરિવારની ૬૩૭ કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. આ કાર્યવાહીમાંં વિદેશી બેન્કોના પાંચ ખાતાઓને ૨૭૮ કરોડ રૂપિયા સાથે જપ્ત કરાયા હતા. હોન્ગકોન્ગમાં ૨૨.૬૯ કરોડની હિરાની જ્વેલરીને ભારત પરત લાવવામાં આવી છે. આ સિવાય દક્ષિણ મુંબઇમાં આવેલ એક ફ્લેટને પણ જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત ૧૯.૫ કરોડ રૂપિયા છે.
આ પહેલા ઇડીએ નિરવ મોદીની સંપત્તિમાં ૫૬૯૪ કરોડની કિંમતના હિરા, સોનાના દાગીના અને અતિ મુલ્યવાન રત્નો જપ્ત કર્યા હતા. ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એજન્સીએ માહિતી આપી હતી કે મોદી પરિવારના માલિકીની સંપત્તિ, જ્વેલરી, ફ્લેટ્‌સ અને બેન્ક બેલેન્સને ભારત સહિત બ્રિટન અને અમેરિકા તથા અન્ય દેશોમાં જપ્ત કરવામાં આવી છે. કૌભાંડનાં બહુ ઓછા મામલાઓમાં એવું બન્યું છે કે, ભારતીય એજન્સીએ વિદેશોમાં રહેલી સંપત્તિઓને જપ્ત કરી હોય. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિન્ગ એક્ટ હેઠળ ઈડીએ ન્યુયોર્કમાં નિરવ મોદીની ૨૧૬ કરોડ રૂપિયાની બે સ્થાયી મિલકતોને જપ્ત કરી છે. આવકવેરા વિભાગે નિરવ મોદી અને તેના પરિવારજનો તેમજ તેનાથી સંબંધિત લોકોની ૨૯ સંપત્તિઓ જપ્ત કરી હતી અને ૧૦૫ બેન્ક ખાતાઓની લેણ-દેણ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
ભાગેડુ નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્કમાં ૧૪ હજાર કરોડ રૂપિયાનું દેશનું સૌથી મોટું બેન્કિગ કૌભાંડ કર્યું છે.