(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
નિર્ભયા ગેંગરેપ કેસનાં દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે સોમવારનાં લગભગ એક કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. નિર્ભયાનાં દોષિતોને ૩ માર્ચનાં દિવસે સવારે ૬ વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ પહેલા ઠીક ૨ વાગ્યે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે ૩ દોષિતો અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી ફગાવવામાં આવી ચુકી છે. એક દોષી પવન તરફથી આ મામલે દયા અરજી અને ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાની બાકી છે. સરકારી વકીલે કહ્યું કે હાઇકોર્ટ તરફથી આપવામાં આવેલી એક અઠવાડિયાની મુદ્દત પણ ૧૧ ફેબ્રુઆરીનાં પૂર્ણ થઈ ચુકી છે. તેમણે દલીલ કરી કે અત્યારે કોઇપણ દોષીની કોઈપણ અરજી કોઈપણ કોર્ટમાં પેન્ડિંગ નથી તેથી નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકાય છે. સરકારી વકીલની દલીલ બાદ દોષિતોનાં વકીલ એપી સિંહે કહ્યું કે વિનયની માનસિક સ્થિતિ ઠીક નથી. તેમણે કહ્યું કે તેની હાલત એટલી ખરાબ છે કે તેણે ૧૧ ફેબ્રુઆરીથી ખાવા-પીવાનું બંધ કરી દીધું છે. એપી સિંહે કોર્ટને જણાવ્યું કે આજે વિનયની મા જેલમાં તેને મળવા માટે આવી હતી. વિનયનાં માથા પર પાટા બાંધેલા હતા. આ ગંભીર મામલો છે. તેમણે કોર્ટને વિનયની મેડિકલ રિપોર્ટ મંગાવવાની માંગ કરી અને કહ્યું કે તેના માથામાં પણ ઘણી ઇજાઓ થઈ છે. જેલ સુપરિટેંડેટ પાસેથી રિપોર્ટ મંગાવતા જેલ મેન્યુઅલનું ધ્યાન રાખવાનું કહેવામાં આવવું જોઇએ. દોષિતોનાં વકીલ એપી સિંહે કોર્ટને જણાવ્યું કે, “અમે અક્ષયની દયા અરજી કરવા ઇચ્છીએ છીએ. કેટલાક દસ્તાવેજો લગાવવાનાં બાકી રહી ગયા હતા. અક્ષયનાં માતા-પિતાએ દયા અરજી અડધી-અધૂરી કરી હતી.” એપી સિંહે કહ્યું કે, “જો કૉર્ટ અમને પરમિશન આપે તો અમે આજે અક્ષયની સહી કરાવીને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરીશું.” તો પવનનાં વકીલ રવિ કાઝીએ કૉર્ટને જણાવ્યું કે તેઓ પણ ક્યૂરેટિવ અને દયા અરજી કરવા ઇચ્છે છે. આ પહેલા ૧૭ જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જે અંતર્ગત નિર્ભયાના ચારેય ગુનેગારો પવન ગુપ્તા, વિનય શર્મા, મુકેશ અને અક્ષય સિંહને ૧ ફેબ્રુઆરી સવારે ૬ વાગે ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. તેની પહલા ૭ જાન્યુઆરીએ ચારેય દોષિતોને ૨૨ જાન્યુઆરીએ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો.
નિર્ભયાની માતા નવા ડેથ વોરંટથી ખુશ પરંતુ…..
નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું, ત્રીજી વખત ડેથ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું તેને લઈ હું નાખુશ છું. અમે ખૂબ સંઘર્ષ કર્યો છે તેથી આખરે ડેથ વોરંટ જાહેર થયું તેનો સંતોષ છે. મને આશા છે કે ગુનેગારોને ૩ માર્ચે ફાંસી આપવામાં આવશે.
Recent Comments