(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૪
સુપ્રીમકોર્ટે ૨૦૧૨ના દિલ્હી ગેંગરેપ કેસમાં દોષિતોમાંના એક વિનય શર્મા દ્વારા રજૂ કરવામાં આવેલી દયાની અરજી ફગાવી દેવાને પડકારતી અરજી શુક્રવારે ફગાવી દીધી છે. વિનય કુમારે રાષ્ટ્રપતિ દ્વારા તેની દયાની અરજી ફગાવવાના આદેશને પડકાર્યો હતો. જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચે વિનય શર્માની અરજી ફગાવતા જણાવ્યું કે આમાં દયાની અરજી ફગાવવાના આદેશની ન્યાયિક સમીક્ષા કરવાનો કોઇ આધાર નથી. દોષિતે સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલી તેની અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેની દયાની અરજી ફગાવતી વખતે જેલમાં તેના પર ગુજારવામાં આવેલા અત્યાચારને કારણે તેની માનસિક સ્થિતિ ઠીક નહીં હોવાની બાબતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્યાનમાં લીધી ન હતી. કેન્દ્રે દોષિતના ભારપૂર્વકનું આ કથન નકારી કાઢીને જણાવ્યું હતું કે દોષિત વિનય શર્મા ફિટ છે અને માનસિક રીતે પણ સ્વસ્થ છે. નિર્ભયા કેસમાં ફાંસીની સજાથી બચવાનો વિનય શર્માનો આ છેલ્લીઘડીનો પ્રયાસ હતો. દોષિતે એવી રજૂઆત કરી હતી કે રાષ્ટ્રપતિ સમક્ષ તેની માનસિક બીમારી સહિતના બધા સુસંગત રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા ન હતા. કેન્દ્ર સરકાર તરફથી વિનય શર્માનો ૧૨મી ફેબ્રુઆરીનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ મેડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિનય શર્મા કોઇ પણ માનસિક બીમારીથી પીડિત નથી.