(સંવાદદાતા દ્વારા) પાવીજેતપુર, તા.૨૬
પાવી જેતપુર તાલુકાના ભીખાપુરાના એક વાલ્મિકી સમાજના યુવાનને કદવાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડીને ઢોરમાર મારતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ છે જેને સારવાર માટે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવો પડ્યો છે. આમ તો પોલીસ એટલે પ્રજાનો રક્ષક, પણ છોટાઉદેપુર જિલ્લામાં તો જાણે રક્ષક જ ભક્ષક બની રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. પાવીજેતપુર તાલુકાના ભીખાપુરમાં રહેતા રમેશભાઈ મોહનભાઇ હરિજન ૨૪ તારીખે સાંજના સમયે પોલીસ ચોકી પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીખાપુરા પોલીસ ચોકી પર બેઠેલા જમાદાર કિરણભાઈ વસાવાએ તેમને કેફી દ્રવ્યનો નશો કર્યો હોવાને આક્ષેપ કરીને કદવાલ પોલીસ મથકે લઇ ગયા હતા અને તેમની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. બાદમાં આ જમાદાર અને બીજા બે જણ દ્વારા આરોપી રમેશભાઈરાત્રિના સમયે ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં રમેશભાઈને થાપાનો આખો ભાગ કાળો પડી ગયો હતો. બીજા દિવસે રમેશભાઈના પરિવારજનો પોલીસ મથકે જઈને તેમના જામીન કરાવીને ઘરે લઈ આવ્યા હતા અને ઘરે આવીને રમેશભાઈને તપાસતા તેઓને થાપાના ભાગે ખૂબ ગંભીર ઇજાઓ થયેલી જોતા રાત્રિના સમયે પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જયાંથી વધુ સારવાર માટે તેઓને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભીખાપુરાના વાલ્મિકી સમાજના યુવાન રમેશભાઈને કદવાલ પોલીસ દ્વારા ઢોરમાર મારીને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી છે. તેમની ઇજાઓ જોઈને તો જાણે એવું લાગતું હતું કે, નિર્દયતાથી માર માર્યો છે. આ અંગે યુવાન અને તેના પરિવારજનોએ છોટાઉદેપુર એસપીને લેખિતમાં રજૂઆત કરી છે. આ અંગે પીડિત રમેશભાઈએ ત્રણે પોલીસ કોન્સ્ટેબલ કિરણ વસાવા, હાર્દિક તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ જેનું નામ નથી ખબર વિરુદ્ધ ઇ.પી.કો. ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) ,૧૧૪ મુજબ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. મહત્ત્વની વાત એ છે કે, કદવાલ પોલીસના જમાદાર કિરણ વસાવા આરોપી રમેશ દારૂની પોટલી લઈને જતાં હોવાથી ગુનો દાખલ કર્યો હોવાની વાત કરતા હતા પણ આ જમાદાર દારૂની પોટલી લઈને જતા યુવાનને પકડીને જેલમાં નાખી દીધો હતો પણ દારૂની પોટલી લાવ્યો ક્યાંથી ? આ દારૂની પોટલી કેટલા સમયથી વેચાઈ રહી છે. તેની તપાસ શુદ્ધા કરી નથી.