(એજન્સી) તા.૧
નાસિકની વિશેષ ટાડા કોર્ટે બુધવારે રપ વર્ષથી જેલમાં કેદ કરાયેલા ૧૧ મુસ્લિમોને નિર્દોષ છોડી મૂક્યા હતા. તપાસ દરમિયાન પુરાવાઓના અભાવ અને ટાડા દિશા-નિર્દેશોના ભંગનું કારણ આપી નાસિકની એક વિશેષ ટાડા કોર્ટેના ન્યાયાધીશ એસ.સી.ખાતીએ ૧૧ આરોપીઓને છોડી મૂક્યા હતા. કન્નડ ન્યૂઝ પોર્ટલ વર્થા ભારતીના અહેવાલ પ્રમાણે નિર્દોષ સાબિત થયેલા લોકોમાં જમીલ અહમદ અબ્દુલ્લા ખાન, મોહમ્મદ યુનુસ મોહમ્મદ ઈશાક, ફારૂક નજીર ખાન, યુસુફ ગુલાબખાન, ઐયુબ ઈસ્માઈલ ખાન, વસીમુદ્દીન શમશીન, શિખા શફી શેખ અઝીઝ, અશ્ફાક સૈયદ મુર્તુજા મીર, મુમતાઝ, મુમતાઝ, મુમતાઝ સઈદ સામેલ છે. ર૮ મે, ૧૯૯૪ના દિવસે મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાંથી આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર બાબરી મસ્જિદની શહાદતનો બદલો લેવા માટે આતંકવાદી તાલીમ કેન્દ્રમાં ભાગ લેવાનો આક્ષેપ કરી ટાડા હેઠળ બધાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના નિર્ણય પછી વકીલોની ટીમને અભિનંદન આપતા ગુલઝાર આઝમીએ કહ્યું હતું કે, આ ૧૧ લોકોને ન્યાય અપાવવામાં વિલંબ થયો છે પરંતુ તેમના પરથી આતંકવાદીનું કલંક દૂર કરી દેવામાં આવ્યું છે. જમિયત ઉલેમાના વકીલને ભરોસો હતો કે, આ ૧૧ નિર્દોષો મુક્ત થઈ જશે. વકીલોની ટીમમાં એડવોકેટ શરીફ શેખ, મતીન શેખ, અન્સાર તનબોલી, રજીક શેખ, શાહીદ નદીમ અને મોહમ્મદ અર્શદ સામેલ હતો.