અમદાવાદ,તા.ર૪
અમદાવાદ સહિત રાજ્યના વડોદરા અને છાપીમાં તાજેતરમાં બંધના એલાનના દિવસે બનેલી હિંસાની ઘટનાઓ ખૂબ જ નિંદનીય છે. આવી હિંસક ઘટનાઓ બનવી જોઈએ નહીં. પરંતુ પોલીસે પણ રાજકીય દોરી સંચાર હેઠળ નિર્દોષ લોકોને હેરાન પેરશાન કરી ધરપકડ કરવી ન જોઈએ. પુરાવાના આધારે ગુનેગારોની ધરપકડ કરવામાં આવે તેની સામે જવાબદાર નાગરિકોને કોઈ વાંધો હોઈ શકે નહીં. એમ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝાની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરી હતી. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનસિંહ રાજપૂત, કોંગ્રેસ અગ્રણી બદરૂદ્દીન શેખ, ઈકબાલ શેખ (એડવોકેટ) સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાની રાજ્યમાં તાજેતરમાં નાગરિક અધિકાર કાયદાની વિરુદ્ધ બંધ અને ધરણા પ્રદર્શન દરમિયાન કમનસીબ હિંસક ઘટનાઓ સંદર્ભે રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસ અધિકારીઓ સહિત મીડિયા કર્મીઓને ઈજા થઈ તે કમનસીબ ઘટનાને નિંદા સાથે દુઃખ વ્યક્ત કરી વખોડી કાઢી હતી. સુખદ બાબત એ છે કે હાલ સમગ્ર રાજ્યમાં શાંતિ પ્રવર્તી રહી છે. તોફાનોમાં સ્થાનિક સજ્જન માનવતાવાદી લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકી પોલીસ જવાનોના જીવન બચાવી માનવતા મહેકાવી શાંતિ અને સદ્ભાવનાનું વાતાવરણ પુનઃ સ્થાપિત કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા. બીજી તરફ ખૂબ જ દુઃખદાયક બાબત છે કે શાહઆલમ વિસ્તારમાંથી અનેક મહિલાઓ સહિત એક મહિલાને તો તેના એક મહિનાના બાળક સાથે ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે. શું એક મહિલા આવું કૃત્ય કરી શકે ? માનવતાના ધોરણે સીસીટીવી ફૂટેજની યોગ્ય ચીવટભરી ચકાસણી કરી નિર્દોષ લોકો અને મહિલાઓને ઝડપથી મુક્ત કરવાની કાર્યવાહી કરવા માગણી કરી હતી. બનાસકાંઠાના છાપીમાં બનેલ તદ્દન સામાન્ય ઘટનાના ગુનામાં પોલીસ દ્વારા અતિશ્યોક્તિ કરી ગંભીર ગુનાઓ નોંધી ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરામાં પણ સામાન્ય પથ્થરમારાના બનાવમાં ફોજદારી ધારાની ૩૦૭ જેવી કલમો લગાવી લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે માટે ડીજીપી સમક્ષ માગણી કરી હતી કે ન્યાયના હિતમાં નિર્દોષ લોકોની કનડગત કરવામાં ન આવે અને ફક્ત સીસીટીવી ફૂટેજ તેમજ પૂરતા પુરાવા અને ગુનાની ગંભીરતાના આધારે જ કાર્યવાહી કરવામાં આવે.
રાજ્યમાં થયેલી હિંસાની ઘટના કમનસીબ પણ નિર્દોષોની ધરપકડ ન કરવી જોઈએ

Recent Comments