(એજન્સી) શ્રીનગર, તા.ર૦
કાશ્મીરમાં સેનાના શહીદ જવાન ઔરંગઝેબના કુટુંબીજનો સાથે રક્ષામંત્રી સીતારમને આજે મુલાકાત કરી હતી અને એમનો જુસ્સો વધાર્યો હતો. મુલાકાત દરમિયાન એ ઔરંગઝેબના પરિવાર સાથે ઘણા સમય સુધી રોકાયા હતા. ઔરંગઝેબ ઈદને અનુલક્ષીને પોતાના ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાન એમનું અપહરણ કરાયું હતું. એ પછી ૧૪મી જૂને એમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પહેલાં સોમવારે સેનાધ્યક્ષ બિપિન રાવત પણ શહીદ સૈનિકના પરિવાર સાથે મળ્યા હતા. રક્ષામંત્રી સીતારમન બુધવારે સવારે કાશ્મીર જવા માટે રવાના થયા હતા. એ પછી એ પૂંછ જિલ્લામાં આવેલ ઔરંગઝેબના ઘરે ગયા હતા. એમણે ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ અને ભાઈ સાથે મળી એમનો જુસ્સો વધાર્યો હતો. એમણે કહ્યું કે આ કુટુંબ દેશ માટે પ્રેરણા સમાન છે. રાજ્યમાં પીડીપી-ભાજપ ગઠબંધનની સરકાર તૂટી ગયા પછી રાજ્યપાલ શાસન લાગુ થયું છે. રક્ષામંત્રીની આ મુલાકાત ત્રાસવાદીઓ સામે કડક વલણ અપનાવવાનો એક રાજકીય સંદેશ પણ છે. નિર્મલા સીતારમન કુટુંબ સાથે મળ્યા પછી જમ્મુમાં સેના અધિકારીઓ સાથે મીટિંગ પણ કરશે.