(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
દેશના કથળી રહેલા અર્થતંત્રને પાટા પર ચડાવવા અને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર બેકફુટ પર આવી ગઇ છે. મંદીમાં સપડાયેલા અર્થતંત્રને વેગ આપવાના એક પ્રયાસરૂપે ઘરેલું કંપનીઓ પરનો કોર્પોરેટ ટેક્સ કેન્દ્ર સરકારે આજે ઘટાડી દીધો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તરતજ બજારો ઝુમી ઉઠ્યા હતા. સેન્સેક્સમાં ૧૯૨૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે જ્યારે નિફ્ટીએ પણ ૧૧,૨૫૦ની સપાટી વટાવી દીધી હતી. ઘરેલું કંપનીઓ પણ ભારે ખુશ થઇ ગઇ છે. નાણા પ્રધાને જણાવ્યું કે તેમણે આજે કરેલી જાહેરાતથી દેશની રાજકોષીય ખાધ પર થનારી અસરથી તેઓ વાકેફ છે.
મહત્વના ૧૦ મુદ્દા
૧. ગોવામાં એક પત્રકાર પરિષદમાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે ૨૦૧૯ની પહેલી ઓક્ટોબર બાદ મેન્યુફેક્ચરિંગમાં નવેસરથી રોકણ કરવા માગતી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસે ૧૫ ટકાનો આવકવેરા ભરવાનો વિકલ્પ હશે.
૨. તેમણે જણાવ્યું કે નવો અસરકારક કરવેરાનો દર ૩૫ ટકાથી ઘટીને ૨૫.૨ ટકા થઇ જશે ્‌અને તેમાં બધા સરચાર્જીસ પણ સામેલ હશે. આ દર કોઇ પણ છૂટનો લાભ નહીં લેતી કંપનીઓને લાગુ થશે. જો ચાર્જીસ વગર ગણવામાં આવે તો આ વેરાનો દર ૩૦ ટકાથી ઘટીને ૨૨ ટકા હશે.
૩. નવું કરમાળખું ૨૦૧૯ની પહેલી એપ્રિલથી લાગુ છે. નાણા પ્રધાને જણાવ્યું કે આ ફેરફારો ૧૯૬૧ના આવકવેરા કાયદામાં સુધારા કરવા માટે એક વટહુકમ દ્વારા કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે કેન્દ્રના કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણયના સમર્થનમાં ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર પર ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે. એટલે કે સરકારને ૧.૪૫ લાખ કરોડ રૂપિયા સહન કરવા પડશે.
૪. સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં ૧૬.૫ લાખ કરોડ રૂપિયાની કરની આવકનો અંદાજ હતો. સીતારમણે જણાવ્યું કે ટેક્સમાં ઘટાડાની અમારી રાજકોષીય ખાધ પર થનારી અસરથી અમે વાકેફ છીએ.
૫. નાણા પ્રધાને જણાવ્યું કે ભરવામાં આવેલો કોઇ પણ એડવાન્સ ટેક્સ એડજસ્ટ કરી લેવામાં આવશે. નવી કંપનીઓએ મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ (મેટ) ભરવો પડશે નહીં.
૬. સીતારમણે જણાવ્યું કે સિક્યુરિટીસ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) ભરનારી કંપનીઓના ઇક્વિટી શેરના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ આ વર્ષે લાગશે નહીં. ચાલુ વર્ષના બજેટમાં સુપર રિચ પર ઉંચા સરચાર્જિસની જાહેરાત કરવામાં આવી હતી.
૭. જૂનમાં પુરા થયેલા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર છ વર્ષના નીચલા સ્તરે એટલે કે પાંચ ટકા થઇ ગયો હોવાથી માગ અને રોકાણ વધારવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાઓ ઉપરાંત આ પગલાંની જાહેરાત કરાઇ છે.
૮. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ડ્રાઇવ કરનાર ઓટોમોબાઇલ સેક્ટર જીડીપીમાં સૌથી વધુ ફાળો આપનાર છે. ઓટોમોબાઇલ સેક્ટર પર સૌથી વધુ ખરાબ અસર પડી છે. આ સેક્ટરના ગ્રાહકોની માગ ઘટી ગઇ છે અને માગમાં ઘટાડાને કારણે કાર બનાવતી ઘણી કંપનીઓને તેમનું ઉત્પાદન બંધ કરવું પડ્યું છે. ઓટોમોબાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે.
૯. બેંકો પણ રોકડની અછતને કારણે લોન આપવાનો ઇનકાર કરી રહી છે.
૧૦. ઉત્સર્જન અને સુરક્ષાના માપદંડો સાથે સુસંગત કાર્સ માટેના નવા નિયમોને કારણે ઉત્પાદન પડતર વધી ગઇ છે.૨૦૧૭માં લાગુ કરવામાં આવેલા ૨૮ ટકા જીએસટીને કારણે માગમાં ઘટાડો થયો હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું છે.

સેન્સેક્સમાં ૧૯૨૧ પોઇન્ટનો ઉછાળો, એક
દશકનો છેલ્લા એક દિવસમાં સૌથી મોટો ઉછાળો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં કાપની જાહેરાત કર્યા બાદ શુક્રવારે સેન્સેક્સમાં છેલ્લા દશકમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. નિર્મલા સીતારમણની જાહેરાતના કલાકોમાં જ સત્ર દરમિયાન એક સમયે સેન્સેક્સ ૨૨૮૪.૫૫ના ઉછાળા સાથે ૩૮,૩૭૮.૦૨ની સપાટી વટાવી ગયો હતો. સીતારમણે કહ્યું કે, કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ તમામ ટેક્સ સહિત ૨૫.૨ ટકા રહેશે. આ પહેલા ૧૮ મે ૨૦૦૯માં સેન્સેક્સમાં ૨૧૧૦.૭૯ પોઇન્ટનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન નિફ્ટીએ પણ ૬૭૭ પોઇન્ટની છલાંગ લગાવી હતી અને તે ૧૧,૩૮૧ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીનો આ સ્તર ૨૩મી જૂને હતો.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. સેન્સેક્સમાં ૧૯૨૧.૧૫ પોઇન્ટનો જોરદાર ઉછાળો થયો છે જે છેલ્લે ૨૨ જુલાઇના બંધના લેવલે થયો હતો. નિફ્ટીમાં ૫૬૯.૪૦ પોઇન્ટનો ઉછાળો થયોછે.
૨. જે કંપનીઓના શેરમાં ૫૦ બેઝિક ટકાનો ફાળો આપનારામાં આઇસર મોટર્સ, હીરોમોટોકોર્પ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, મારૂતિ સુઝુકી અને સ્ટેટ બેંકનો સમાવેશ થાય છે. આ દરેક કંપનીઓના શેરમાં ૧૦.૧૧ ટકાથી ૧૩.૩૮ ટકાનો વધારો થયો હતો. સેન્સેક્સમાં ઉછાળો કરનારી અન્ય કંપનીઓમાં એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક અને કોટક બેંકનો સમાવેશ થાય છે.
૩. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, નવા ટેક્સ માળખા એપ્રિલ ૨૦૧૯થી લાગુ થશે અને ઓક્ટોબરથી નવી બનનારી કંપનીઓને ૧૫ ટકા બેઝ ટેક્સ કટમાં રાહત મળશે જ્યારે આ ટેક્સ પહેલા ૩૦ ટકા હતો.
૪. જીએસટી કાઉન્સિલની ૩૭મી બેઠક પહેલા પત્રકાર પરિષદમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટેક્સ રેટ અને અન્ય પગલાંને કારણે સરકારી તિજોરી પર દર વર્ષે ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે.
૫. નિષ્ણાતોના મતે સરકારના આ પગલાંથી વિદેશી રોકાણકારોનું માનસ બદલાશે અને વધુ રોકાણ થશે.
૬. આઇડીબીઆઇના કેપિટલ માર્કેટ સર્વિસિસના પ્રમુખ એકે પ્રભાકરે જણાવ્યું હતું કે, બજેટમાંથી અમે જે આશા કરી રહ્યા હતા તે એકદમ સકારાત્મક પગલું છે. કોર્પોરેટ ટેક્સના પગલાંથી સૌથી વધુ ટેક્સ ચુકવતી કંપનીઓ, પ્રાઇવેટ સેક્ટર ઉપરાંત જાહેર ક્ષેત્રમાં પણ ભારે ફાયદો થશે.
૭. અર્થતંત્રમાં ગતિ લાવવાના ઉદેશ્યની છેલ્લા ચાર અઠવાડિયામાં અનેક જાહેરાતો કરી છે જે જુનમાં પુરા થયેલા ત્રિમાસિકમાં છ વર્ષની નીચલી સપાટી પર આવી ગયું હતું.
૮. નિફ્ટીમાં પણ મોટરસાઇકલ્સ,હેવી વ્હીકલ્સ, ઓટો પાટ્‌ર્સ કંપનીઓના શેરોમાં ૯.૯૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઇન્ડેક્ષના તમામ ૧૫ સ્ટોક્સમાં ઉછાળો થયો હતો જેમાં ૪.૫૦ ટકાનો વધારો થયો છે.
૯. આઇટીસી, નેસલે, કોલગેટ-પામોલિવ અને ઓટો માર્કેટ તથા નફો કરતી પીએસયુ કંપનીઓ જેઓ ઊંચો ટેક્સ આપે છે તેમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
૧૦. વપરાશ અને રોકાણને વેગ આપવા માટે અગાઉ બેંકોનું મર્જર કરાયું હતું જે પગલાં પણ વિદેશી રોકાણકારોને સરળતા આપવા માટે કરાયા હોવાની જાહેરાત કરાઇ હતી.

નાણાંપ્રધાને કોર્પોરેટ્‌સ માટે કર રાહતોની જાહેરાત કરી, સરકારી તિજોરી પર ૧.૪૫ લાખ કરોડનો બોજો પડશે

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વિકાસ વધારવા અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેટ કંપનીઓ માટે ભારે અને મહત્વની રાહતોની જાહેરાત કરી છે. નાણા પ્રધાને અન્ય રાજકોષીય રાહતો ઉપરાંત નવી ઘરેલું મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને ૧૫ ટકા અને અને ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને ૨૨ ટકા કરી દીધો છે. નાણા પ્રધાન દ્વારા કોર્પોરેટ કંપનીઓ માટે જાહેર કરવામાં આવેલી કર રાહતો અને છૂટછાટોથી બજારો ઝુમી ઉઠયા છે. નાણા પ્રધાનની આ જાહેરાતોથી મૂડી બજારમાં જોરદાર ઉછાળો થયો છે. સેન્સેક્સમાં ૧૯૨૧ પોઇન્ટનો ઉછોળો નોંધાયો છે અને નિફ્ટી પણ ૫૬૯ પોઇન્ટનો ઉછાળો થયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલી કર રાહતોથી સરકારી તિજોરી પર ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે. એટલે કે સરકારની વેરાઓની આવકમાં આટલો ઘટાડો થશે. નિર્મલા સીતારમણે તેમનું બજેટ રજૂ કર્યાના પાંચ મહિના બાદ અને આગામી બજેટના પાંચ મહિના પહેલા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની શુક્રવારે કરેલી જાહેરાતને બજારો દ્વારા વધાવી લેવામાં આવી છે.

માયાવતીએ સરકારના આર્થિક નિર્ણયો સામે પ્રશ્ન ઉઠાવ્યો, પૂછ્યું
આવા પગલાં પહેલા કેમ ભર્યા જેને હવે પાછા લેવા પડી રહ્યા છે ?

ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા માંદા અર્થતંત્રના ઠીક કરવા માટે કોર્પોરેટ ટેક્સમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો કરવા અંગે ટિ્‌વટ કર્યું છે. માયાવતીએ કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં આજે કરવામાં આવેલા ઘટાડાને કેન્દ્ર સરકાર ઐતિહાસિક ગણાવી રહી છે જેનાથી દેશની આર્થિક મંદી અને તંગી દૂર થશે. માયાવતીએ જણાવ્યું કે કદાચ એવું જ થાય અને લોકોના આજીવિકા પર આવેલું ગંભીર સંકટ દૂર થઇ જાય પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે આવા પગલા અગાઉ શા માટે ભર્યા જેને હવે પાછા લેવા પડી રહ્યા છે ?

ગભરાટમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ ખોટી જગ્યાએ હોબાળો કરી રહ્યાં છે

વાહનોના વેચાણમાં સતત ઘટાડો, ગ્રાહકોની માગણીમાં ચાલુ રહેલા ઘટાડાથી બધા પરિચિત છે ત્યારે નાણા પ્રધાને મંદીમાં સપડાયેલા અર્થતંત્રને પાટા પર લાવવાના ઉદ્દેશે જાહેરાતો કરવાનું ચાલુ રાખ્યું છે. ભૂતકાળમાં પણ દેશમાં મંદી આવી હતી પરંતુ ગ્રાહકોની માગણીમાં ઘટાડાને કારણે વેચાણમાં ઘટાડાનો ભારતે ક્યારેય અનુભવ કર્યો નથી.નાણા પ્રધાને વ્યાજ દરમાં ઘટાડાથી માંડીને રીયલ એસ્ટેટ માટે નાણાકીય પેકેજ અને અન્ય શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે પરંતુ તેઓએ જે કરવું જોઇતું હતું એ તેમણે કર્યું નથી. નાણા પ્રધાને લોકોને ખર્ચ કરવા માટે વધુ નાણા આપવા માટે પરોક્ષ વેરાઓમાં ઘટાડો કરવો જોઇતો હતો.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી સામાન્ય માણસને કેવી રીતે લાભ થશે ?

મંદીમાં સપડાયેલા દેશના અર્થતંત્રને પુનઃબેઠું કરવા માટે તાજેતરના સપ્તાહોમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરવામાં આવી હતી. શુક્રવારે સીતારમણે ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. કોર્પોરેટ ટેક્સનો દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કરી દેવામાં આવ્યો છે. સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની કરાયેલી જાહેરાતને પરિણામે સેન્સેક્સમાં એક દાયકાનો સૌથી મોટો ઉછાળો થયો છે. સેન્સેક્સમાં ૧૯૨૧ પોઇન્ટનો વધારો નોંધાયો છે. જ્યારે ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે. અમેરિકી ડોલર સામે રૂપિયા ૬૬ પૈસા મજબૂત થયો છે. સરકારના આ પગલાથી ઘરેલું કંપનીઓને લાભ થશે, રોકાણ, નોકરીઓ અને વપરાશમાં વધારો થશે.