(એજન્સી) નવી દિલ્હી, તા.૪
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે ૬ રાજ્યો કેરળ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને દિલ્હીના નાણામંત્રીઓએ મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે, “અમે પૈસાની માગણી કરવા અહીં આવીએ એ અમારા માટે શરમજનક છે. ૬ રાજ્યોના નાણામંત્રીઓ જીએસટીના એમના હિસ્સાના નાણા મેળવવા માટે રજૂઆતો કરવા આવ્યા હતા. બંધારણ સુધારા બિલમાં જોગવાઈ કરાઈ હતી કે, રાજ્યોને સેલ્સટેક્સના બદલે જીએસટીમાંથી એમના રાજ્ય મુજબ હિસ્સો અપાશે. કોંગ્રેસે ગયા અઠવાડિયે રાજ્યસભામાં મુદ્દો ઊઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જીએસટીના નાણાં આપવામાં ખૂબ જ વિલંબ કરે છે. જેથી અમે પગારો ચૂકવી શકતા નથી અને વિકાસના કામો બંધ કરવા પડે છે. નાણામંત્રી સાથે મુલાકાત કર્યા પછી પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંઘ બાદલે કહ્યું કે, અમે બધી વાતો નાણામંત્રી સાથે કરી હતી. અમને ત્રણ-ત્રણ મહિનાથી નાણાં અપાયા નથી અને આ ચોથો મહિનો પણ પૂર્ણ થઈ ગયો. અમે ઘણા મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે. અમે જેલો બંધ નથી કરી શકતા, શાળા, હોસ્પિટલો પણ બંધ નથી કરી શકતા. અમને પગારો, પેન્શનો ચૂકવવા છે. રાજ્યોની ઘણી બધી જવાબદારીઓ છે. એમણે વધુમાં કહ્યું કે, અમે દરરોજ દિલ્હી આવીએ એ સારૂં લાગતું નથી. એમાં અમે શરમ અનુભવીએ છીએ. રાજ્ય સરકાર આ અધિકારના નાણાં છે એ કંઈ સહાય નથી, જે માટે અમે વિનંતીઓ કરીએ.