અમદાવાદ, તા.૧૩
રાજયની સૌથી મોટી સાબરમતી જેલમાં શ્રીફળ લઇ જવા સામે પ્રતિબંધને પડકારતી પિટિશનની સુનાવણી બાદ જસ્ટિસ એ.વાય.કોગજેએ એક આદેશ આપીને જેલસત્તાવાળા આ બાબતે કેદીઓની રજૂઆતને સાંભળીને ૨૧ દિવસમાં યોગ્ય નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન જેલતંત્રએ એવી દહેશત વ્યક્ત કરી હતીકે, શ્રીફળ કડક ચીજ છે અને તેને અંદર પ્રવેશ આપવાની પરવાનગી આપવાથી કોઇ પણ અનિચ્છનીય બનાવ બની શકે તેવી શક્યતા છે. જોકે ક્યારેય આવો બનાવ બન્યો નહી હોવાની સ્પષ્ટતા જેલ તંત્ર તરફથી કરાઇ હતી. આ બાબતે અરજદાર ગૌતમ રામાનુજ દ્વારા એડવોકેટ પિયુષકુમાર બંસેરી મારફત કરેલી રિટમાં એવી રજૂઆત કરાઇ હતીકે, અમદાવાદમાં આવેલી રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં શ્રીફળ લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વર્ષ ૨૦૧૭માં સાબરમતી જેલના અધિક્ષક દ્વારા વાર-તહેવાર અને પુજા વિધી માટે પણ જેલના કેદીઓને આપવામાં આવતા શ્રીફળ પર પ્રતિબંધ લાગુ કરાયો હતો. અગાઉના સમયમાં કેદીઓની માગ મુજબશ્રીફળ જેલની કેન્ટીન મારફતે આપવામાં આવતું હતું. અરજદાર તરફથી વધુમાં રજૂઆત કરાઈ હતી કે ધાર્મિક પુજા માટે અને પ્રસાદ માટે શ્રીફળની જરૂરીયાત છે. સામા પક્ષે જેલ વિભાગ તરફથી અગાઉ એફિડેવિટ દાખલ કરીને એવી રજૂઆત કરાઈ હતીકે, સાબરમતી જેલની સુરક્ષા અને સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીફળ કડક અને મજબુત વસ્તુ છે તેનો કોઈ પણ રીતે દુરઉપયોગ થઇ શકે છે. હિંસા, અથડામણ જેવા બનાવોમાં તેનો ઉપયોગ થઇ શકે છે. એથી તેના પર પ્રતિબંધ સુરક્ષાના કારણોસર મુકાયો છે. બન્ને પક્ષોની સુનાવણી બાદ હાઇકોર્ટે આ કેસનો નિકાલ કરતા એવું નોંધ્યું હતુંકે, અરજદાર જેલ સત્તાવાળઓ સમક્ષ યોગ્ય રજૂઆત કરે અને તે અનુસંધાને જેલ સત્તાવાળા તરફથી ૨૧ દિવસમાં આ અંગેનો નિર્ણય લેવાનો રહેશે.