અમદાવાદ, તા.૨૯
રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર બિટકોઇન કેસમાં જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કેટલાક ખુલાસાને લઇને ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા આજે પોતાની કારમાં ખંભાળિયા તરફ જઇ રહી હતી ત્યારે આરાધના ધામ નજીક અન્ય વાહનમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. નિશા ગોંડલિયા પર ફાયરીંગની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વાત એટલા માટે ગંભીર હતી કારણ કે, અગાઉ નિશાએ પોતાની પર જીવલેણ હુમલો અને ફાયરીંગનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ પણ કરી હતી. જો કે, તેને પોલીસ કે તંત્ર દ્વારા હળવાશથી લેવા જેની દહેશત હતી તે બનાવને આરોપીઓએ આજે અંજામ આપ્યો હતો. બીજીબાજુ, ફાયરીંગમાં ઘાયલ નિશા ગોંડલિયાને હાલ ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે તેમજ ખંભાળિયા પોલીસ અને એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નિશા ગોંડલિયા આજે પોતાની કારમાં ખંભાળિયા તરફ જઇ રહી હતી ત્યારે આરાધના ધામ નજીક અન્ય વાહનમાં આવેલા અજાણ્યા શખ્સો તેમના પર બે રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. નિશા ગોંડલીયા બે મહિના પહેલાં વાલ્કવેશ્વરી નગરીમાંથી જતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરીંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પણ તેણીએ પોલીસમાં નોંધાવી હતી. તે ઉપરાંત નિશાએ પોતાના બનેવીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાના બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાની પણ રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હજુ તો ૧૫ દિવસ પહેલા નિશાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાના પર ખતરો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત નિશાએ સીઆઈડી ક્રાઈમને પણ પત્ર પાઠવી પોતાની હત્યા જયેશ પટેલ કરાવી નાખશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. તેમછતાં પોલીસ દ્વારા નિશાને કોઇ સુરક્ષા નહી અપાતાં કે તેણે દહેશત વ્યકત કરેલ આરોપીઓ સામે પગલાં નહી લેવાતાં નિશાની દહેશત આખરે સાચી ઠરી હતી અને તે ફાયરીંગમાં આજે ઇજાગ્રસ્ત બની હતી. નિશા ગોંડલિયા પર ફાયરીંગની ઘટનાને લઇ બિટકોઇન કેસમાં ફરી એકવાર ભારે ચકચાર મચી ગઇ છે.