નવી દિલ્હી,તા.ર૧
કર્ણાટકમાં સરકારને બચાવવામાં નિષ્ફળ રહેલી ભાજપની નજર હવે તેલંગાણા પર અટકી છે. તેલંગાણા ભાજપના અધ્યક્ષનું કહેવું છે કે, પાર્ટી ર૦૧૯માં રાજ્યમાં યોજાનારી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી ર૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથો સાથ જ કરાવવામાં આવશે.
કર્ણાટક ભાજપના અધ્યક્ષ કે લક્ષ્મણે કહ્યું હતું કે, તાજેતરમાં જ દિલ્હીમાં અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે તેલંગાણા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, જે રાજ્યોમાં ચૂંટણી યોજાવવાની હતી. ત્યાં યોજાઈ ગઈ હવે તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજનૈતિક સ્થિતિ અને ચૂંટણીની યોજનાનો તાગ સ્થિતિ અને ચૂંટણીની યોજનાનો તાગ મેળવવા અમિત શાહ આગામી મહિને તેલંગાણા આવી શકે છે. લક્ષ્મણે કહ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સંગઠનના રૂપમાં મજબૂત છે અને રાજ્યમાં પોતાને વધુ મજબૂત બનાવવા માટે મતદાન કેન્દ્રો પર ‘પન્ના પ્રમુખ’ મોડલ પ્રણાલી અપનાવશે. અગાઉ જુદા-જુદા રાજ્યોમાં ભાજપનું પન્ના પ્રમુખ મોડલ સફળ રહ્યું છે. જેમાં એક પન્નાનો પ્રભારી પોતાની યાદીમાં આવતા મતદાતાઓના પરિવારનો સંપર્ક કરે છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પન્ના પ્રમુખનો પ્રશ્ન છે તો ૧૧૯ વિધાનસભા ક્ષેત્રમાંથી લગભગ ૪૦-પ૦ વિધાનસભા ક્ષેત્રોમાં પન્ના પ્રમુખનું કામ પુરૂ થઈ ગયું છે. બાકીના વિધાનસભા ક્ષેત્રોમાં પણ એક કે બે મહિનામાં કામમાં આટોપી લેવામાં આવશે. સાથે જ પાર્ટી રાજ્યમાં સંગઠનને મજબૂત કરાવવા માટે વધુ પગલાં ભરી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ તેલંગાણામાં ટીઆરએસ સરકારની નિષ્ફળતાઓ અને અધુરા વાયદાઓના મુદ્દાઓ ઉઠાવશે. જેમાં રોજગાર સર્જન, ગરીબોને બે બેડરૂમનું ઘર અને દલિતોને ૩ એકર જમીન આપવાનો વાયદો પણ શામેલ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, પાર્ટી સમાજના જુદા-જુદા સેકશનો માટે સ્પષ્ટ ચૂંટણી ઢંઢેરા સાથે ઉતરશે. તેમાં અનુસૂચિત જાતિ, પછાત વર્ગ અને યુવા જેવા તમામ વર્ગો શામેલ હશે. તેમના જણાવ્યા પ્રમાણે સમાજના જુદા-જુદા તબક્કાઓ સાથે ચર્ચા હાથ ધર્યા બાદ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે.