(એજન્સી) નવી દિલ્હી, તા.૨
સંસદમાં હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યાની ગૂંજ સાથોસાથ કેટલાક મુદ્દા ઉઠ્યા. સંસદમાં પીએમ મોદી અને અમિત શાહને ઘૂસણખોર ગણાવનાર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના નિવેદનનો મુદ્દો પણ ઉઠ્યો. ત્યાર બાદ ઘટતા જીડીપીનો મુદ્દો પણ ઉઠ્યો.
જીડીપીના મુદ્દે લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંદ દુબેએ કહ્યું કે જીડીપી ૧૯૩૪માં આવી અને આ પહેલા જીડીપી ન હતી. માત્ર જીડીપીને બાઇબલ, રામાયણ કે મહાભારત માની લેવું સત્ય નથી અને ભવિષ્યમાં જીડીપીનો બહુ ઓછો ઉપયોગ થશે. સરકાર છેવાડાના માણસ સુધી પહોંચી છે તે અગત્યનું છે.
તેમણે કહ્યું કે આજે નવી થિયરી છે સામાન્ય માણસનું ટકાઉ આર્થિક કલ્યાણ થઇ રહ્યું છે કે પછી કોઇ નથી થઇ રહ્યું. જીડીપીથી વધુ મહત્વપૂર્ણ છે કે સતત વિકાસ. લોકોમાં ખુશી મળી રહી છે કે નથી મળી રહી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દેશની જીડીપી વૃદ્ધિના આંકડા સત્તાવાર રીતે જાહેર થયા હતા. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા દર્શાવે છે કે દેશની આર્થિક સ્થિતિ સારી નથી. વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૧૯-૨૦) ના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ૪.૫ ટકા પર પહોંચી ગયો છે.