(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧
જંગલના રાજા સિંહની હાલત દિવસે-દિવસે કથળી રહી છે. અગાઉ ૩૦થી વધારે સિંહોના મૃત્યુ બાદ ગુજરાતનું વનતંત્ર અને સરકાર મોટી-મોટી વાતો કરી અને સિંહ રક્ષણનું આયોજન હાથ ધર્યું છે. પરંતુ ત્યાર પહેલા જ ખોરાકના અભાવે વિફરેલા સિંહો ન કરવાનું પણ કરી બેસે છે. આવું જ દેવળિયા સફારી પાર્ક ખાતે બનેલા બનાવમાં બન્યું હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે વન વિભાગની વરવી ભૂમિકા પણ તેમાં કારણભૂત બની રહી હોવાની ચર્ચા જોર-શોરથી થઈ રહી છે.
સાસણ નજીક આવેલા વિશ્વ વિખ્યાત દેવળિયા સફારી પાર્કમાં તાજેતરમાં બનેલી ઘટનાએ સમગ્ર વનતંત્રને હચમચાવી દીધું હતું. બે સિંહોએ એક વનકર્મીને મોતને ઘાટ ઉતારી દીધો અને અન્ય બેને ઘાયલ કરી દીધા હતા. ગૌરવ અને ગૌતમ નામના બંને સિંહને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે પરંતુ બે સિંહણ હજુ ધૂંધવાયેલી હોવાનો ખતરાસૂચક ઘટસ્ફોટ થયો છે. વનવિભાગ ભલે પોતાની ભૂલ સ્વીકારતું નથી પરંતુ આ બનાવમાં સિંહોની વારંવારની રંજાડ અને સિંહોને પૂરતો ખોરાક લેવાનો સમય નથી મળતો તેવા કારણોસર સિંહો છંછેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ નજરે જોનારના કહેવા મુજબ મૃત્યુ થનાર ટ્રેકર રજનીશને એક સિંહ ઢુવામાં ખેંચી ગયો હતો, બાદમાં ત્યાં હાજર અન્ય એક સિંહ એટલે ગૌરવ અને ગૌતમ (સિંહની જોડી) ઉપરાંત બે સિંહણ પણ હાજર હતી. તેણે પણ રજનીશના શરીર ઉપર ડેરો જમાવ્યો હતો. વનવિભાગ એમ જ કહે છે કે બે સિંહોની જોડીએ રજનીશનો શિકાર કર્યો હતો પરંતુ શિકાર બાદ બે સિંહણ પણ ત્યાં જ હતી. તો વનવિભાગે બે સિંહને જ કેમ પકડીને સજા કરી છે ? બાકીની બે સિંહણે જો માનવ રક્ત ચાખ્યું હશે તો હવે ત્યાં સિંહ દર્શન કરવું પર્યટકો માટે અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે કેટલું સલામત બની રહેશે ? કમાણી માટે વનવિભાગની બેદરકારી સામે ન આવે તે માટે ઉચ્ચ અધિકારીઓ આ વાત જાહેર નથી કરી ? અહીં ૧૦ના જૂથમાંથી બંને સિંહ હવે પાંજરામાં છે માત્ર ચાર સિંહણ અને ચાર બાળસિંહ જ દેવળિયા પાર્કમાં જોવા મળશે. ૧૬ ઓક્ટોબર ૧૯૮૭થી દેવળિયા પાર્કની શરૂઆત થઈ હતી. ત્યારે તેને મુક્ત રીતે વિહરવા દેવાતા અને સિંહોને કોઈપણ પ્રકારની કનગડત ન થાય તેની પુરતી તકેદારી રખાતી હતી. સિંહે સ્થળાંતર કર્યું હોય તો તે અંગેની જાણ (વાયરલેસ મેસેજ દ્વારા) તત્કાળ કરી અપાતી એટલે પ્રવાસીઓની બસ સ્થળાંતર વાળી જગ્યાએ આવી જતી અને બસ તથા વાહનોને દૂર રાખવામાં આવતા જેથી સિંહોને ખલેલ પરેશાની ન થાય. હવે એવું ધ્યાન નથી રખાતું તેમ જૂના ફોરેસ્ટ કર્મચારીઓનું કહેવું છે. તેથી સિંહો ચીડિયા બની ગયા છે. આ બાબત અતિ ગંભીર છે અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને તે પહેલા વનવિભાગે સાવચેતી કેળવવી પડશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.