(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૪
હાલના સમયમાં ભારતનું અર્થતંત્ર મંદીમાં પસાર થઈ રહ્યું છે. એ માટે આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડે ભારતને ચેતવણી આપી છે. આઈએમએફએ કહ્યું છે કે, અર્થતંત્રને ફરીથી પાટા ઉપર લાવવા માટે ભારતને ત્વરિત મોટા પગલાં લેવાની જરૂર છે. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક આર્થિક વિકાસ વધારનાર અર્થતંત્રોમાંથી એક છે એ માટે ભારતને ત્વરિત પગલાં લેવા પડશે. આઈએમએફની એશિયાના વડા રાનિલ સાલગાડોએ કહ્યું કે, લાખો ભારતીયોને ગરીબીથી બહાર લાવ્યા પછી હવે ભારત આર્થિક મંદીમાં ઘેરાયો છે. એને દૂર કરવા ભારતે નીતિ આધારિત ઉકેલો શોધવાની જરૂર છે. આઈએમએફએ ઓક્ટોબર મહિનામાં ભારતનો ર૦૧૯ માટેનો વિકાસ દર ૬.૧ ટકા અને ર૦ર૦માં ૭ ટકા સુધી પહોંચવાનો અનુમાન મૂકયો હતો. આઈએમએફની મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે મુંબઈમાં આયોજિત ઈન્ડિયા ઈકોનોમિક કોન્કલેવમાં કહ્યું હતું કે, અમારી સંસ્થાએ આ પહેલાં ઓક્ટોબરમાં પોતાના અંદાજો બહાર પાડયા હતા જેની સમીક્ષા જાન્યુઆરી ર૦ર૦માં કરાશે. એમણે કહ્યું ભારતમાં વપરાશ અને ખાનગી ક્ષેત્રના રોકાણમાં આવેલ ઘટાડો, નબળી પડતી નિકાસ, આ બધાના લીધે ડીજીપીમાં ઘટાડો થયો છે. એમણે પોતાના વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે, ભારતનું ગ્રાફ નીચે જઈ રહ્યું છે. સાલગાડોએ કહ્યું કે, મંદીનું કારણ નોન-બેન્કિંગ નાણાંકીય કંપનીઓના ધિરાણોમાં ઘટાડો થયો છે. એ ઉપરાંત અન્ય ધિરાણોમાં પણ પરિસ્થિતિ કડક થઈ છે. ગોપીનાથે ર૦રપ સુધી ભારતનું અર્થતંત્ર પ૦૦૦ અબજ ડોલર બનવા બદલ પણ શંકા દર્શાવી છે. એમણે આ સંદર્ભે પોતાની ગણતરીઓ રજૂ કરી છે. એમના જણાવ્યા મુજબ આ લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતને આગામી ૬ વર્ષો દરમિયાન ૧૦.પ ટકા જીડીપી જાળવી રાખવાની જરૂર છે જે પાછલા વર્ષોમાં સરેરાશ ૬ ટકા રહી છે.