(એજન્સી) તા.૩૧
વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસોમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે મોટા પ્રમાણમાં આર્થિક સુધારાઓ થઈ શકે છે. સરકારની મુખ્ય થિંક ટેન્કના એક ટોચના અધિકારીએ આ માહિતી આપી હતી. નીતિ આયોગના વાઈસ-ચેરમેન રાજીવકુમારે જણાવ્યું હતું કે, આ આર્થિક સુધારાઓમાં શ્રમિક કાયદાઓમાં પરિવર્તન ખાનગીકરણ અને નવા ઔદ્યોગિક વિકાસ માટે ભૂ-બેન્કની રચના સામેલ છે. કુમારે એક ખાનગી ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “વિદેશી રોકાણકારો માટે ખુશ થવાના અનકે કારણો છે. હું તમને ખાતરી આપું છું કે, તમે મોટા પ્રમાણમાં સુધારાઓ જોશો.” કુમારે કહ્યું હતું કે, જુલાઈમાં યોજાનારા સંસદના આગામી સત્રમાં જટિલ શ્રમિક કાયદાઓમાં સુધારા કરવા માટે બિલ રજૂ કરવામાં આવશે.” કુમારે કહ્યું હતું કે, સરકાર જાહેર ક્ષેત્રના સાહસોના નિયંત્રણમાં રહેલી વણવપરાયેલી જમીનનો ઉપયોગ કરી ભૂ-બેન્ક બનાવશે જેનો ઉપયોગ વિદેશી રોકાણકારોને જમીન ફાળવવામાં થશે. આ પગલાથી વિદેશી કંપનીઓને માલિકી હક અને ડેવલપમેન્ટમાં કાયદાકીય પડકારો જેવા જોખમોનો સામનો કરવો પડશે નહીં. વિદેશી કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં અધિગ્રહણ કરેલી મોટાભાગની જમીનો ખેતીલાયક હતી જેથી તેમને જમીનનો માલિકી અધિકાર, પર્યાવરણ અને અન્ય મુદ્દાઓ પર લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.