(એજન્સી) તા.૨૬
ભારતમાં પાણીની અછત કે તંગી નથી પરંતુ પાણીનું વ્યવસ્થાપન પર્યાપ્ત નથી એવું કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે અત્રે જણાવ્યું હતું. માર્ગ અને પરિવહન વિભાગનો પણ કાર્યભાર સંભાળી કહેલા કેન્દ્રીય જળ પ્રધાન નીતિન ગડકરીએ નેશનલ વોટર એવોર્ડ સમારોહ ખાતે બોલતા જણાવ્યું હતું કે ભારતમાં પાણીની તંગી નથી પરંતુ પાણીનું વ્યવસ્થાપન પર્યાપ્ત નથી. પાણીના જતનમાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય સ્તરે જળ એવોર્ડ શરુ કરવાની જરુર છે. દેશમાં પાણીના અસરકારક વ્યવસ્થાપન માટે લેવામાં આવેલા પગલાઓ અંગે વાત કરતા ગડકરીએ જણાવ્યું હતું કે ઓખલા બેરેજમાંથી ૪૦૦ એમએલડી પાણીને ટ્રીટ કરીને વઝીરાબાદ બેરેજ દ્વારા દિલ્હી માટે ઉપયોગ કરવામાં આવશે.
પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ ઘણા પ્રોજેક્ટો સંપન્ન થઇ ગયા છે. પાણીના જતન માટે નહેર દ્વારા સિંચાઇને બદલે પાઇપ દ્વારા થતી સિંચાઇને પ્રાધાન્ય આપવામાં આવે છે. વર્તમાન કેનાલોને પણ પાણીનો વ્યય ઘટાડવા માટે તેમાં કોંક્રિટ કરવામાં આવી રહી છે. સ્વચ્છ ગંગા મિશન અંગે ગડકરીએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલા કુંભમેળા દરમિયાન ગંગાનું જળ નિર્મલ અને અવિરલ હતું અને લોકોએ સ્વચ્છતાને બિરદાવી હતી.
ગંગામાં ડોલ્ફીન, કાચબા એ પક્ષીઓ જોવા મળી રહ્યા છે જે બતાવે છે કે નદીના પાણીની ગુણવત્તામા સુધારો થયો છે. પાણીના જતનના મુદ્દાને જાહેર ચળવળનો મુદ્દો બનાવવા માટે લોકભાગીદારી જરુરી છે. બેસ્ટ સ્ટેટની કેટેગરીમાં મહારાષ્ટ્રને પ્રથમ, ગુજરાતને દ્વિતીય, આંધ્રને તૃતીય નેશનલ વોટર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.