(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા દિવાળીના સમયની આસપાસ વધતા પ્રદૂષણ સ્તરને પહોંચી વળવા માટે ૪ થી ૧૫ નવેમબર સુધી ફરીથી ઓડ-ઇવન યોજના લાગુ કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઓડ-ઇવન ટ્રાફિક નિયમો લાગુ કરવાની કોઇ જરૂર નથી. દિલ્હીમાં કેન્દ્ર સરકારે બનાવેલા નવા રિંગ રોડને કારણે દિલ્હીના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગડકરીએ પત્રકારોેને જણાવ્યુ કે સરકાર આગામી દિવસોમાં અન્ય ઘણી નવી યોજનાઓ લાગુ કરવાની હોવાથી આગામી બે વર્ષમાં દિલ્હી પ્રદૂષણ મુક્ત થઇ જશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને પહોંચી વળવાના ઉદ્દેશથી ૨૦૧૫માં આમ આદમી પાર્ટી (આપ) સરકારની ફ્લેગશિપ યોજના અમલી બનાવવામાં આવી હતી.