મુંબઇ,તા.૧૫
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ સતત ચાલી રહ્યું છે. તમામની નજરો રાજકીય પાર્ટીઓ પર છે કે કોની સરકાર બનશે અને કોણ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. આ દરમિયાન મહારાષ્ટ્ર પહોંચેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મીડિયા સાથે વાતચીત કરી. તેઓએ કહ્યુ કે, ક્રિકેટ અને રાજનીતિમાં કંઈ પણ શક્ય છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સવાલ પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે, ક્રિકેટ અને રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે. ક્યારેક આપને લાગે છે કે તમે મેચ હારવાના છો, પરંતુ અચાનક ગેમ પલટાઈ જાય છે અને જે પરિણામ આવે છે તે બિલકુલ ઉલટું હોય છે. તેઓએ કહ્યુ કે, હું હાલમાં જ દિલ્હીથી આવ્યો છું તો મને મહારાષ્ટ્રની રાજનીતિના વિષયમાં વિસ્તૃત જાણકારી નથી.
બીજી તરફ, મીડિયા સાથેની વાતચીત દરમિયાન જ્યારે ગડકરીને પૂછવામાં આવયું કે, જો મહારાષ્ટ્રમાં બિન-બીજેપી સરકાર આવે છે તો મુંબઈમાં ચાલી રહેલા પ્રોજેક્ટોનું શું થશે? તેની પર ગડકરીએ કહ્યુ કે સરકાર બદલાય છે, પરંતુ પરિયોજનાઓ ચાલુ રહે છે. મને તેનાથી કોઈ સમસ્યા નથી. બીજેપી હોય, એનસીપી હોય કે કૉંગ્રેસ, સરકાર બનાવનાર કોઈ પણ પાર્ટી સકારાત્મક નીતિઓનું સમર્થન કરશે.