(એજન્સી)
નવી દિલ્હી, તા.૭
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મંચ પર જ બેભાન થઈ ગયા હતા. કાર્યક્રમ દરમિયાન તેઓ મંચ પર ઊભા થયા ત્યારે એકાએક લથડી પડ્યા હતા. મંચ પર ઉપસ્થિત અન્ય લોકોએ તેમને સંભાળ્યા હતા. તેમને પડતા જોઈ અફડાતફડી મચી ગઈ હતી. હાલ તેમની પરિસ્થિતિ સ્થિર છે. ઘટનાના કેટલાક સમય પછી ગડકરીએ ટ્‌વીટ કરી જાણકારી આપી હતી કે, લો શુગરના કારણે તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારા તમામ શુભચિંતકોનો ખૂબ ખૂબ આભાર.
જણાવવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રના એહમદનગરમાં મહાત્મા ફૂલે કૃષિ કોલેજના દિક્ષાંત સમારોહમાં આ ઘટના બની હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.વિદ્યાસાગર પણ કાર્યક્રમમાં હાજર હતા અને તેમણે જ ગડકરીને પડતા જોઈ પકડ્યા હતા.