(એજન્સી) તા.૧૮
ભાજપ માટે મોટો આંચકો આપનાર નિવેદન મહારાષ્ટ્રના ખેડૂત નેતાએ કર્યું છે, એમણે સંઘને વિનંતી કરતો પત્ર લખી જણાવ્યું છે કે, જો ભાજપે ર૦૧૯ની ચૂંટણીઓ જીતવી હોય તો એમણે મોદીને હટાવીને ગડકરીને વડાપ્રધાનનો હોદ્દો આપવો જોઈએ.
આ માગણી રાજ્ય સરકારની પેનલ વસંતરાવ નાઈક શેતી સ્વાવલંબન મિશનના અધ્યક્ષ કિશોર તિવારીએ કરી છે જ્યારે મોદી મહારાષ્ટ્રમાં અમુક પ્રોજેક્ટોનો ઉદ્‌ઘાટન કરવા આવેલ છે.
પોતાના પત્રમાં તિવારીએ સંઘના વડા મોહન ભાગવત, ભૈયાજી સુરેશ જોષીને લખ્યું છે કે, હાલમાં ત્રણ રાજ્યોમાં ભાજપની હારનો કારણ અભિમાની મોદી છે જેમના ખોટા નિર્ણયોથી લોકોને મુશ્કેલીઓ થઈ છે. એમણે મોદીના નોટબંધી, જીએસટી, તેલનો ભાવવધારોને લોકવિરોધી નિર્ણયો ગણાવ્યા હતા. એમણે લખ્યું છે કે મોદી અને શાહના સરમુખત્યારશાહી વલણના લીધે આ બંને દેશમાં અસ્વીકાર્ય થઈ રહ્યા છે. સૌજન્ય ધરાવતા અને સર્વમાન્ય ગડકરી જેવા નેતાને સુકાન આપવું જોઈએ. જે બધા સાથે મિત્રતાથી વર્તે છે. મોદી અને શાહ જેવા નેતાઓ લોકશાહી અને સમાજ માટે જોખમકારક છે. આ બંને નેતાઓ ખેડૂતો વિરોધી વલણો ધરાવે છે. મોદીને ફક્ત બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેનમાં જ રસ છે. મોદીના વલણના લીધે ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થઈ છે. એમણે કહ્યું કે મોદી અને શાહે દેશમાં ભયનો વાતાવરણ ઊભો કર્યો છે. આ ભય દૂર કરવા એમને દૂર કરવા અનિવાર્ય છે.