નવી દિલ્હી,તા.૨૧
૨૦૧૯ની આગામી લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે કેન્દ્રીય સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની સંભાવના તરીકે સામે આવ્યું છે. તેના સંદર્ભે હવે ગડકરીનો જવાબ પણ આવ્યો છે. નરેન્દ્ર મોદીના સ્થાને ૨૦૧૯ની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની સંભાવના અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યુ છે કે આનો કોઈ સવાલ જ પેદા થતો નથી. તેઓ હાલ જ્યાં છે, તેનાથી ઘણાં જ ખુશ છે. મહારાષ્ટ્રના એક સંગઠનના પ્રમુખે તાજેતરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતને પત્ર લખીને ગડકરીને ૨૦૧૯માં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માગણી કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં ગડકરીએ કહ્યુ છે કે તેઓ જ્યાં છે તે કામથી બેહદ ખુશ છે. પહેલા તેમણે ગંગા સફાઈ અભિયાનનું કામ પુરું કરવાનું છે. ૧૩થી ૧૪ દેશોને જોડનારા એક્સપ્રેસ હાઈવે એક્સેસ કંટ્રોલનું નિર્માણ અને ચારધામ માટે સડક બનાવવાનું કામ પુરું કરવાનુ છે. તેના સિવાય અન્ય ઘણાં કામ પણ પૂર્ણ કરવાના છે. તેઓ આ તમામ કાર્યોથી બેહદ ખુશ છે અને આને પૂર્ણ કરવા ચાહે છે.
પૂર્વોત્તર ભારતના વિકાસ અને ત્યાં ચાલી રહેલા કાર્યો સંદર્ભે ગડકરીએ કહ્યુ છે કે પુરોગામી સરકારે પૂર્વોત્તરના રાજ્યોની અવગણના કરી છે. પૂર્વોત્તરના વિકાસને નકારવામાં આવ્યો છે. પરંતુ એનડીએની સરકાર સતત પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે કામ કરી રહી છે. તેમણે જણાવ્યુ છે કે અરુણાચલ પ્રદેશમાં ચાર હજાર કરોડ રૂપિયાનું સડક નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. અરુણાચલ પ્રદેશમાં સડક નહીં હોવાના કારણે ગરીબી અને બેરોજગારીની છે. પરંતુ એકવાર અહીં સડક નિર્માણ થઈ જશે, તો રોજગારનું પણ સર્જન થઈ જશે.