(એજન્સી)
નવી દિલ્હી, તા. ૪
અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત થઇ રહેલો ઘટાડો અને વેપાર ખાધ વધવા અંગે ચર્ચા કરવા માટે ગુરૂવારે યોજાનારી મહત્વના પ્રધાનોની બેઠક પહેલા કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બે ટીવી ચેનલો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઓઇલની જંગીમાત્રામાં આયાતને કારણે ભારત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ભારત પોતાની ઓઇલની ૮૦ ટકા જરૂરિયાતની આયાત કરે છે. ચાલુ વર્ષની શરૂઆતથી ભારતીય ચલણના મૂલ્યનું અમેરિકી ડોલર સામે આશરે ૧૩ ટકાનું ધોવાણ થયું હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્રૂડ ઓઇલની આયાતનો ખર્ચ પણ વધી રહ્યો છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાથી પરિસ્થિતિ વધુ કથળી ગઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ચાર વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે અને ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલે ૮૬ ડોલર થઇ ગયો છે. નબળા રૂપિયા, ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારો અને આઇએફ એન્ડ એસએલની નબળી સ્થિતિને કારણે ભારતીય શેરબજારમાં પણ ભારે કડાકો થયો છે. ગુરૂવારે કામકાજ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સમાં ૮૦૬ પોઇન્ટનો કડાકો નોંધાયો છે. ડોલર સામે રૂપિયો પણ ૫૭ પૈસા ગગડીને ૭૩.૯૧ પ્રતિ ડોલરથી નવો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.