(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની યુવા પાંખે સોમવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વિરૂદ્ધ ‘અપ્રિય ટિપ્પણી’ કરવા માટે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)ની વિદ્યાર્થિની નેતા શેહલા રશીદ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે એમ સંગઠને તેના નિવેદનમાં જણાવ્યું છે. ૯ જૂનના રોજ શેહલા રશીદે ટ્‌વીટ કરી હતી કે, એવું લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને નીતિન ગડકરી વડાપ્રધાન મોદીની રાજીવ ગાંધી ટાઈપ હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે. શેહલાએ આગળ લખ્યું કે પછી મુસ્લિમો અને કોમ્યુનિસ્ટો પર આનો દોષ મૂકશે અને પછી મુસ્લિમોની હત્યા કરશે. શેહલાની આ ટ્‌વીટની પ્રતિક્રિયા આપતા નીતિન ગડકરીએ ટ્‌વીટ કર્યું કે, વડાપ્રધાન મોદી પર હુમલાની ધમકીમાં વ્યક્તિગત રીતે તેમના પર વિચિત્ર ટિપ્પણીઓ કરતા એવા અસામાજિક વિરોધી તત્ત્વો સામે કાનૂની કાર્યવાહી કરીશ. ગડકરીની ટ્‌વીટના જવાબમાં શેહલા રશીદે સ્પષ્ટ કર્યું કે, તેમની ટિપ્પણી પાયાવિહીન મીડિયા ઝુંબેશનો એક વ્યંગાત્મક સંદર્ભ હતું. ભારતીય જનતા યુવા મોરચાના પ્રતિનિધિએ સોમવારે પાર્લામેન્ટ સ્ટ્રીપ પોલીસ સ્ટેશનમાં શેહલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આરએસએસ અને નીતિન ગડકરી પીએમ મોદીની હત્યાનું કાવતરૂં ઘડી રહ્યા હોવાનો સંદેશ સંપૂર્ણ રીતે જૂઠું, નિરાધાર અને પાયાવિહીન છે. આ સંદેશ દેશમાં અસુરક્ષા અને અનિશ્ચિતતાને ઉશ્કેરનારું છે.