(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૧૯ સુધીમાં ગંગા નદી ૮૦% સુધી સ્વચ્છ થઇ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.કેન્દ્રીય જળ સંશાધન પ્રધાન નિતિન ગડકરીએ ગંગાની સફાઇ માટે છેલ્લા ચાર વર્ષમાં કરેલા કાર્યોની વિગતો આપતા કહ્યુંં હતુંં કે ગંગાને પ્રદૂષિત કરી રહેલા ૨૫૧ ઉદ્યોગોને બંધ કરી દેવાયા છે અને ૯૩૮ ઉદ્યોગોથી નીકળતા પ્રદૂષણની રિયલ ટાઇમ મોનિટોરિંગ કરવામાં આવી રહ્યુંં છે. તેની સાથે જ ગંગાના પુરા માર્ગમાં એવા ૨૧૧ નાળાઓની ઓળખ કરાઇ છે જે આ નદીને પ્રદૂષિત કરે છે.
આ પ્રસંગે સ્વચ્છતા પ્રધાન ઉમા ભારતીએ કહ્યુંં હતુંં કે ગંગા કિનારાના ૪૪૭૦ ગામોને જાહેરમાં શૌચની સમસ્યાથી મુક્ત કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ગંગાની આગામી ૫ વર્ષમાં પ્રદૂષણ મુક્ત કરવાનું વચન આપ્યું હતુંં. સરકારે હવે આ પ્રયાસમાં છે કે આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા ગંગાને વધારે વધારે સ્વચ્છ કરી દેવાય.
ગડકરીએ કહ્યું હતું કે ગંગાને સ્વચ્છ કરવાના નમામિ ગંગે મોશન અંતર્ગત અત્યાર સુધી ૧૯૫ યોજનાઓને મંજૂરી આપી દેવાય છે. જેમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્‌સ બનાવવા અને સીવર લાઇન નાખવાની સાથે સ્મશાન ગ્રુહોનું નિર્માણ પણ સામેલ છે. જેમાં ૨૪ પરિયોજનાઓનું કામ પૂર્ણ કરી દેવાયું છે. તેની સાથે વિવિધ ઘાટોના સુશોભિત કરવાનું પણ કામ ચાલી રહ્યુંં છે. ઉમા ભારતી કહ્યું હતું જે ગામોને જાહેરમાં શૌચની સમસ્યાથી મુક્ત કરાયા છે હવે તેને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન ચાલી રહ્યુંં છે. ગંગા કિનારે ઔષધી યુકત વૃક્ષો લગાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. ગડકરીએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં ગંગાને સ્વચ્છ રાખવા માટે ૩૧ યોજનાઓને મંજૂરી અપાઇ છે જેમાંથી ૧૮ના કામ પૂર્ણ થઇ ગયા છે. ઉત્તરપ્રદેશમાં ૩૦ પ્રોજેકટ્‌સને મંજૂરી આપી હતી જેમાંથી ૮નું કામ ખતમ થઇ ગયું છે. બિહાર માટે ૧૦ પ્રોજેક્ટ્‌સને મંજૂરી અપાઇ હતી જેની પર કામ ચાલી રહ્યું છે. તે જ રીતે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ પ્રોજેક્ટ્‌સ પર કામ ચાલી રહ્યું છે. ગડકરીએ કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તેઓ એક મહિનાનો પગાર ક્લીન ગંગા ફંડમાં દાન આપે. તેમણે કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન, તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્ય લોકોને પણ પોતાના એક મહિનાનો પગાર આ ફંડમાં દાન આપવા અનુરોધ કરીશું. આ ફંડમાં અત્યાર સુધી ૨૫૦ કરોડ રૂપિયાનું દાન મળી ચૂક્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકારે ગંગાની સફાઇ માટે ૨૦૦૦૦ કરોડ રૂપિયાનું વિશેષ ફંડ બનાવ્યું છે.