(એજન્સી)નવી દિલ્હી, તા. ૮
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં કૃષિ પેદાશ આધારિત જૈવ ઇંધણ પર ફેરફારનું સમર્થન કરતા દેશમાં ખેડૂતોની સ્થિતિ અંગે કહ્યું છે કે, દેશના ખેડૂતો બદતર સ્થિતિમાં છે, તેઓ ચોખા અને ઘઉંની ખેતી કર્યા બાદ મરી રહ્યા છે. ખાંડ, ઘઉં અને દાળો સરપ્લસમાં છે અને તેથી ખેડૂતોને પોતાની ઉપજનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી. ગડકરીએ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે સમજૂતી માટે આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, પ્રથમ પ્રાથમિકતા આદિવાસીઓ અને એગ્રીકલ્ચરને આપો કેમ કે, ચોખા અને ઘઉં પેદા કરીને તેઓ મરી ગયા. ગડકરી પ્રધાનને કહી રહ્યા હતા કે, કૃષિ ઉત્પાદનોમાંથી મળતા જૈવ ઇંધણને ખેડૂતો તથા આદિવાસીઓ માટે મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવું જોઇએ. તેમણે કહ્યું કે, અમારા મુંબઇમાં વાસણ સાફ કરવાની રાખ ૧૮ રૂપિયે કિલો છે અને ચોખાની કિંમત ૧૪ રૂપિયે કિલો છે બધા ખેડૂતોની હાલત ખરાબ છે. તાજેતરમાં જ ગડકરીના ગૃહ રાજ્ય મહારાષ્ટ્ર સહિત ખેડૂતોએ કિંમતો અને અન્ય મુદ્દાઓ પર દેશના વિવિધ ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. વિપક્ષી કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ મોદી સરકાર પર નિશાન સાધવા માટે કૃષિ સંકટ અને ઓછા એમએસપીના મુદ્દા ઉઠાવી રહી છે. બીજેડીએ મંગળવારે જ કૃષિના એમએસપીમાં વધારાની માગને લઇ દિલ્હીમાં ધરણા આયોજિત કર્યા છે. ગડકરીએ કહ્યું કે, સમસ્યા વધારે સરપ્લસ સાથે જોડાયેલી છે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી સમસ્યાના ઉકેલ માટે સારૂં કામ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, મુંબઇમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ૫૦ પૈસા કિલો મળતા માર્ગો પર ફેંકી દીધી હતી. ગડકરીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભાજપની સ્થિતિ લોકસભા ચૂંટણી પહેલા સારી નથી અને ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરીને પાર્ટી શરમમાં મુકાઇ હોવાનો ભાજપના નેતાઓ પણ કહી રહ્યા છે. તેમણે તાજેતરમાં એવું પણ કહ્યું હતું કે, પાર્ટી નેતૃત્વએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હારની જવાબદારી લેવી જોઇએ.