(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
મહારાષ્ટ્રમાં પણ ભાજપની જ સરકાર હોવા છતાં ત્યાં મરાઠા જાતિને અનામત આપવા સરકાર દ્વારા નિર્ણય લેવાતા તેના પડઘાં ગુજરાતમાં પણ પડ્યા છે. આ જાહેરાતને લઈ છેલ્લા ઘણાં સમયથી અનામતની માગણી કરી રહેલ પાટીદાર સમાજ એલર્ટ થઈ ગયેલ છે. જેમાં ગતરોજ પાટીદાર અગ્રણીએ આ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કરી મહારાષ્ટ્ર સરકાર અનામત આપી શકે તો ગુજરાત કેમ નહીં ? તેમ જણાવતા તેના જવાબમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. મરાઠાઓને મળેલી અનામત યોગ્ય ઠરશે તો પાટીદારો માટે વિચારીશું.
મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે મરાઠા જાતિને આપેલ અનામતને લઈને ગુજરાતમાં પાટીદારો ફરી સક્રિય થયા છે. આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગાઉ ઈબીસી અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જેની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને જે રીતે અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ તેમાં સર્વે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ અનામત આયોગ કાર્યરત છે તો તે મુજબ સર્વે કરવામાં આવે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે. જ્યારે તેમણે અનામત મુદ્દે કોંગ્રેસ પાટીદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી હોવાના આજે ફરીથી આક્ષેપ કર્યા હતા.