(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અમદાવાદમાં આવ્યા છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ્સા ચર્ચામાં રહ્યા હતા. આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલનું નામ જ ગાયબ થતાં રાજકીય પંડિતો હવે નીતિન પટેલની રાજકારણમાંથી પણ બાદબાકીના સંકેતો આપી રહ્યા છે. જો કે, નીતિન પટેલની નારાજગીનું કારણ પૂછતા તેઓએ ચહેરા પર નારાજગીના સ્પષ્ટ અણસાર અને નારાજ હાવભાવ સાથે એટલું જ જણાવ્યું કે, મારૂં નામ બધે જ છે કાર્ડમાં નામનું કોઈ મહત્ત્વ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અમદાવાદમાં આવી ગયા છે. આજે બપોરે બે વાગે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આવ્યા એ સમયે તેમનું સ્વાગત કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા નહોતા. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે અમદાવાદની વી.એસ. હોસ્પિટલનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ હતો. વડાપ્રધાને હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યું હતું, પરંતુ સૌ કોઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. અત્રે નોંધનીય છે કે વી. એસ. હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ ન હતું. નીતિન પટેલ પાસે આરોગ્ય ખાતું છે આમ છતાં આમંત્રણ પત્રિકામાંથી તેમના નામની કઈ રીતે બાદબાકી થઈ ગઈ તે પ્રશ્ન સર્વત્ર ચર્ચાઈ રહ્યો છે. ઉપરાંત વાયબ્રન્ટ સમિટના કેટલાય હોર્ડિંગ્સમાં પણ નીતિન પટેલનો ફોટો દેખાતો ન હતો. ગ્લોબલ ટ્રેડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિન પટેલને એવું કહ્યું હતું કે, તમે વી.એસ. હોસ્પિટલમાં પહોંચો અને સાથે રહેજો. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નીતિન પટેલને પોતાની સાથે ગાડીમાં આવવા કહ્યું હતું. પરંતુ નીતિન પટેલ પોતાની ગાડીમાં વી.એસ. જવા રવાના થયા હતા. નીતિન પટેલ વી.એસ. હોસ્પિટલમાં જવાના બદલે રિવરફ્રન્ટ પર યોજાનાર જાહેર સભાના સ્થળે પહોંચી ગયા હતા. વીએસ હોસ્પિટલમાં તેઓ હાજર ન રહેતા રાજકીય વિવાદ સર્જાયો છે. સૂત્રો જણાવે છે કે ટ્રેડ શોમાં પણ નીતિન પટેલ વડાપ્રધાન ના કાફલા સાથે હાજર રહ્યા બાદ વચ્ચેથી જ બહાર નીકળી ગયા હતા. નોંધનીય છે કે ગત વર્ષે ભાજપ ચૂંટણી જીત્યા બાદ નીતિન પટેલને નાણા ખાતું આપ્યું નહોતું. આથી નારાજ થઈને નીતિન પટેલે હાઇ કમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરીને રિસાઈ ગયા હતા. આખરે બે દિવસ બાદ હાઈ કમાન્ડે સૌરભ પટેલ પાસેથી નાણા ખાતું લઈને નીતિન પટેલને આપ્યું હતું. એ સમયથી નીતિન પટેલ અને વિજય રૂપાણીના સંબંધો વચ્ચે તિરાડ પડી હોવાની ચર્ચા થઈ હતી. હવે જ્યારે વડાપ્રધાન ગુજરાતમાં હાજર હોય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર ન રહે તે બાબત ઘણી જ ગંભીર માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં તેના પડઘા પડી શકે છે. મોટાગજાના પાટીદાર નેતાનું આ પ્રકારનું અપમાન થયું એવું કોઈ મંત્રી સાથે ક્યારેય થયું નહીં હોય એવી ચર્ચા વહેતી થઈ હતી ત્યારે હવે પછી નીતિન પટેલ કે, ભાજપનું પગલું શું હશે તે લોકસભા ચૂંટણી અગાઉ ખબર પડી જશે.