(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી જ પાણીની તંગીની વિવિધ વિસ્તારોમાં ફરિયાદો ઉઠવાનો પ્રારંભ થયા બાદ એપ્રિલના અંતે પાણીની સમસ્યા વધુ વકરવાની બૂમો ઉઠી રહી છે અને બીજી તરફ રાજ્યના જળાશયોમાં આશરે ર૩ ટકા જેટલુ જ પાણી ઉપલબ્ધ હોવાની વિગતો બહાર આવતા રાજ્યની ભાજપ સરકારે પ્રજામાં ભય તથા ચિંતા પેદા ન થાય તે માટે આજે પ્રેસકોન્ફરન્સ બોલાવી રાજ્યમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી જુલાઈના અંત સુધી એટલે કે, વરસાદ આવે ત્યાં સુધી પાણી માટે પૂરતું આયોજન હોવાનો દાવો કર્યો છે. આ સાથે રાજ્યમાં પાણી માટે કોઈને પણ તકલીફ નહીં પડે તેવો વિશ્વાસ પણ દર્શાવાયો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે, નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીનો જથ્થો રાજ્યના નાગરિકોને પહોંચે તે માટે સરકારે સઘન આયોજન કર્યું છે. રાજ્યમાં દરરોજ ૩૭૫ કરોડ લીટર નર્મદાનું પાણી પીવાના ઉપયોગ માટે આપવામાં આવે છે જે ગયા વર્ષ કરતાં દરરોજનું ૫૦ કરોડ લીટર વધારે છે. તે પૈકી ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લીટર પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લીટર જેટલું વધારે છે. આમ, ગુજરાતમાં નર્મદા આધારીત ૮૯૧૧ ગામો, ૧૬૫ શહેરો અને ૬ મહાનગરપાલિકાઓમાં નર્મદાના પાણી આપવામાં આવે છે. રાજ્યના પ૧ તાલુકા અગાઉથી જ અછતગ્રસ્ત જાહેર કરાયેલા છે જેના કામો પ્રગતિમાં છે આ ઉપરાંત રાજ્યમાં પીવાના પાણીના પ્રશ્નો અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ગાંધીનગરમાં ટોલ ફ્રી નંબર ૧૯૧૬ પર હેલ્પલાઈન ર૪ કલાક માટે કાર્યરત કરાઈ છે.
તેમણે ઉમેર્યું કે, ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ઓછો વરસાદ થતાં જેથી પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાઓના ડેમોમાં પાણીની ઓછી આવક થયેલી. પરિણામે આ જિલ્લાઓમાં પાતાળ કુવાઓ પણ ઓછા રિચાર્જ થયા છે.
આ કારણને લઈ સરકારે પીવાના પાણી માટે નર્મદા નહેરની માળિયા અને વલ્લભીપુર બ્રાંચ કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેમાંથી પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પીવા માટે ઉપલબ્ધ છે.
રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા તથા કચ્છ જિલ્લામાં અગાઉ કરતા વધુ પાણીનો જથ્થો અપાય છે, તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીએ ખુલાસો કરતા ઉમેર્યું કે, પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના વિસ્તારો માટે પાઈપલાઈનના કામો યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાથી રાધનપુર અને સાંતલપુર વિસ્તારના ગામો અને શહેરોની પીવાના પાણીની સમસ્યાઓનો કાયમી હલ થશે. રાજ્યમાં ૬૨ તાલુકાઓના ૨૫૮ ગામો અને ૨૬૩ ફળિયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારોમાં ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરૂં પાડવામાં આવે છે. આવતાં દિવસોમાં આ સંખ્યામાં મહદઅંશે વધારો થવાની શક્યતા છે. આ સાથે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી ભરાયેલા છે જે ચોમાસા સુધી ચાલશે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના અન્ય ડેમ જેવા કે ધરોઈ, શેત્રુંજી વગેરેમાં પાણીનો જે સંગ્રહ ઉપલબ્ધ હોય તે માત્ર ગુજરાત રાજયના હિસ્સાનું હોય છે. જ્યારે, સરદાર સરોવર ડેમ આંતર રાજ્ય યોજના હોવાથી, તેમાં સંગ્રહ થયેલ પાણી માત્ર ગુજરાતનું નહીં, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રના હિસ્સાનું તથા તદ્‌ઉપરાંત ડેમના નીચવાસમાં નદીમાં છોડવાનું તથા બાષ્પીભવન થનાર જથ્થાનું એમ બધું મળીને હોય છે. હાલમાં ડેમમાં પાણીનું લેવલ ૧૧૯.૫૦ મીટર છે અને હાલનો જીવંત સંગ્રહ ૦.૯૩ મિલિયન એકર ફીટ છે. ૩૦ જૂન સુધીના બાકીના સમયગાળા માટે હજુ ગુજરાતનો વણવપરાયેલ હિસ્સો ૦.૮૭ મિલિયન એકર ફીટ, રાજસ્થાનનો ૦.૦૭ મિલિયન એકર ફીટ, મહારાષ્ટ્રનો ૦.૨૦ મિલિયન એકર ફીટ, ડેમના નીચવાસમાં નદીમાં છોડવાનો જથ્થો ૦.૦૭ મિલિયન એકર ફીટ તથા બાષ્પીભવન ૦.૦૭ મિલિયન એકર ફીટ એમ કુલ જરૂરિયાત ૧.૨૮ મિલિયન એકર ફીટ છે. તેમણે ઉમેર્યું કે, હજુ પણ મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી ૦.૩પ મિલિયન એકર ફીટ જથ્થો છોડવાનો બાકી રહે છે અને તેથી હાલમાં વધુ પડતું પાણી ઉપરવાસમાંથી છોડાતું હોવાનો કે, પાણીનું લેવલ વધારે પડતું હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.