(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના વર્ષોથી પડતર પ્રશ્નો જેમાં પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ ખાતે ખસેડવા બાબતનો પણ સમાવેશ થાય છે. તેનો મુદ્દો વિધાનસભામાં આજે વિરોધ પક્ષ કોંગ્રેસે પ્રશ્નોત્તરી વખતે ઉઠાવતા સામે પક્ષે ભાજપ સરકારમાંથી તેને રાજકીય રૂપ આપી પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાને બદલે રાજકીય આક્ષેપો સાથે હોહા પણ થઈ હતી. છેલ્લા બે વર્ષમાં આ પ્રશ્ને કેન્દ્ર સરકારમાં કેટલીવાર રજૂઆત કરાઈ અને તેનો શો જવાબ આવ્યો તેના જવાબમાં લાંબી રાજકીય ચર્ચા-આક્ષેપો નાયબ મુખ્યમંત્રીએ કર્યા પરંતુ છેક સુધી કેન્દ્રના જવાબ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી જેથી આ તબક્કે વિપક્ષના નેતાએ વર્ષો જૂના ગુજરાતના પડતર ૧૦૭ પ્રશ્નો અહીંથી લઈ છેક દિલ્હી સુધી તમારું શાસન છે તેમ છતાં કેમ હલ થતો નથી. તેવો મુદ્દો ઉઠાવી શાસકોને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ વખતે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ ખસેડવા બાબતે કેન્દ્રમાં રજૂઆત કેટલીવાર થઈ અને શો જવાબ આવ્યો તેવો પ્રશ્ન કરતાં લેખિતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં બે વર્ષમાં માત્ર બે વાર એટલે કે ર૦૧૭માં મે અને સપ્ટેમ્બર માસમાં પત્રો લખવામાં આવ્યા હતા. પત્રનો કેન્દ્ર તરફથી શો જવાબ આવ્યો તેનો જવાબ આપવાને બદલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસની યુપીએ સરકાર વખતની જૂની વાતો દોહરાવી રાજકીય આક્ષેપો કર્યા હતા તે વખતે રેલવેમંત્રીએ અમદાવાદ રેલવે મથક ખસેડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારથી આ પ્રશ્ન અટવાયો છે અને કેન્દ્રમાં રજૂઆતો ચાલુ છે તેમ વધુમાં જણાવ્યું હતું.
આ સમયે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનથી લઈ વાયા ગાંધીનગર કેન્દ્ર સરકારમાં તમારું ભાજપનું જ શાસન છે અને ગુજરાતના પુત્ર વડાપ્રધાન મોદી છે તો પછી પણ ગુજરાતના વર્ષોથી પડતર પ્રશ્નો છે તેનો નિકાલ કેમ કરાવી શકતા નથી. ર૦૧૩ની સાલમાં ગુજરાતના આ ૧૦૭ પડતર પ્રશ્નો અંગે તમોએ ગુજરાતને કેન્દ્રએ હડતાળનો અન્યાય કર્યો છે તેવી મોટી જાહેરાત ઝુંબેશ પણ ચલાવી હતી. હવે તમે કેમ કરાવી શકતા નથી. તમારી કેન્દ્રમાં વગ ઘટતી હોય તો અમે પણ તમારી સાથે રજૂઆત કરવા આવીએ. આપણે બધા સાથે મળીને આ મુદ્દે રજૂઆત કરીશું તેમ વધુમાં જણાવતાં વિપક્ષ નેતાએ ઉમેર્યું કે ભાજપ સરકારની કેન્દ્રમાં બીજી ઈનિંગ હોવા છતાં નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરી શકયા નથી કે પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ લાવી શકયા નથી.
આ સાથે ના.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના પ્રશ્નો હોય કે પછી દરિયાઇ સુરક્ષા, વન વિભાગ અને ક્રુડ ઓઇલ રોયલ્ટી અંગેના પ્રશ્નો હોય, મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. ઓએનજીસી પાસે ગુજરાતને ક્રુડ ઓઇલની રોયલ્ટી પેટે જે વળતર લેવાનું હતું એ માટે યુપીએ સરકારે કંઇ કર્યું નહીં અને આપણે કોર્ટમાં ગયા હતા અને જીતી જતા ૧૦ હજાર કરોડની રોયલ્ટી ગુજરાતને અપાવવામાં આવી. હવે કેન્દ્ર સરકાર દ્વારા પૂરતો સહયોગ મળી રહ્યો છે. આમ પ્રશ્ન અંગે વિસ્તૃત લાંબી ચર્ચા થઈ પરંતુ કેન્દ્રએ શો જવાબ આપ્યો તે મુદ્દે ના.મુખ્યમંત્રીએ કોઈ ફોડ પાડ્યો ન હતો.
કેન્દ્રના અન્યાય અંગે બોલનારા હવે ગુજરાતના પ્રશ્નો અંગે કેમ ચૂપ : કોંગ્રેસના ભાજપ પર પ્રહારો

Recent Comments