વડોદરા, તા.ર
વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા આવ્યા હતા. વડોદરા શહેરના વિવિધ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણી અને શહેરમાં થયેલ ભારે વરસાદને કારણે શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વાસ્તવમાં આજવા સરોવરની સપાટી ૧પ ઓગસ્ટ સુધી ર૧૧ ફૂટ સુધી સ્થિર રાખવાનો નિયમ છે. ર૧૧ ફૂટની ઉપરનું પાણી વિશ્વામિત્રીમાં આવતા અને શહેરમાં થયેલ ર૦ ઈંચ વરસાદને કારણે શહેર પાણીમાં ડૂબ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાયબ મુખ્યમંત્રીને યોગ્ય માહિતી આપવામાં ન આવતા તેઓએ પત્રકારોને જણાવ્યું કે, આજવા સરોવરમાંથી પાણી છોડતા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત જે દિવસે ભારે વરસાદ થયો તે દિવસે મોડી સાંજ સુધી ક્રાઈમ કોન્ફરન્સ ચાલુ હતી સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયા બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. જે રીતે વરસાદ પડ્યો અને પાણી ભરાવાનું શરૂ થયું હતું, ત્યારથી જ તંત્ર કામે લાગી ગયું હોત તો કદાચ વડોદરા શહેરની આજે જે સ્થિતિ છે તે સર્જાઈ ન હોત. પરંતુ નાયબ મુખ્યમંત્રીએ પોલીસ ક્રાઈમ કોન્ફરન્સ અંગે અજાણ હોવાનું જણાવીને પોલીસ તંત્રની કામગીરીના વખાણ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવેલા પૂર અસરગ્રસ્તોને સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. આજે મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છેઘ આગામી બે દિવસમાં શહેરની સ્થિતિ પૂર્વવત થઈ જશે. અસરગ્રસ્તોને સરકાર દ્વારા નક્કી કર્યા મુજબનું કેશડોલ સહિતની તમામ શક્ય સહાય કરવાની ખાતરી આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સયાજી હોસ્પિટલમાં જરૂરિયાત મુજબની દવા, ઓક્સિજન સહિતના જથ્થા અંગેની હોસ્પિટલ સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવી હતી. આ સાથે હોસ્પિટલ સત્તાવાળાઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુ વાઘાણી મુજમહુડા વિસ્તારમાં કેડ સમા પાણીમાં જઈને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેઓને તંત્ર તરફથી સહાય મળી રહી છે કેમ કે તે અંગેની પણ વિગતો મેળવી હતી. આ સાથે મૃતક પરિવારના બે બાળકોને દત્તક લેવાની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં તેઓના હસ્તે દૂધ-બિસ્કીટ, પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સાથે મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબહેન ભટ્ટ, સ્થાયી સમિતિ ચેરમેન સતિષ પટેલ, ભાજપા અગ્રણી શબ્દશરણ બ્રહ્મભટ્ટ વગેરે જોડાયા હતા.

રેસ્ક્યુ ઓપરેશનમાં મગરે હુમલો કરતા યુવાન ફંગોળાયો, મગરનું મોઢું બાંધેલુ હોવાથી થયો બચાવ

પૂરની સ્થિતને પગલે વડોદરા શહેરમાં મગરો ઘૂસી આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી ગણેશનગર ઝૂપડપટ્ટીમાં મગરનો રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારીઓ ઉપર મગરે હુમલો કર્યો હતો. જેમાં એક કર્મચારી પાણીમાં ફંગોળાઇ ગયો હતો. જોકે, મગરનું મોં બાંધેલું હોવાથી રેસ્ક્યુ ટીમના સભ્યોનો મગરના હુમલાથી આબાદ બચી ગયા હતા. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણીમાં એક વિશાળકાય મગર ગણેશનગર ઝૂંપડપટ્ટીમાં તણાઇ આવ્યો હતો. અને એક ઝૂંપડા ઉપર બેસી ગયો હતો. સ્થાનિક લોકોએ મગર અંગેની જાણ વન વિભાગને કરતા રેસ્ક્યૂ ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી. રેસ્ક્યુ ટીમના ત્રણ સભ્યોએ ઝૂંપડા ઉપર બેઠેલા મગરનું મોં બાંધી દીધું હતું. મગરનું મોં બાંધતા જ મગરે ઝૂંપડા ઉપરથી પાણીમાં ઉભેલા રેસ્ક્યૂ ટીમના સભ્યો પર છલાંગ મારીને હુમલો કરી દીધો હતો. જેમાં ટીમનો એક સભ્ય પાણીમાં પડી ગયો હતો. બાદમાં ટીમના સભ્યોએ મગરને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે લઇ ગયા હતા.