(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
રાજ્યમાં વધુ ત્રણ નવી મેડિકલ કોલેજ શરૂ થવાની જાહેરાત થઈ છે એટલે કે રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લામાં નવી ત્રણ મેડિકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકાર તરફથી આજે મંજૂરી આપવામાં આવી છે. પ્રત્યેક કોલેજ માટે રૂા.૩રપ કરોડ મંજૂર કરાયા છે. જેમાં ૬૦ ટકા કેન્દ્ર સરકાર ૪૦ ટકા રાજ્ય સરકારનો હિસ્સો રહેશે. આમ હવે આ ત્રણ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ થવા સાથે હયાત હોસ્પિટલોનું પણ અપગ્રેડેશન થશે જેને લઈને આ વિસ્તારના લોકોને અદ્યતન સારવાર ઉપલબ્ધ થશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના ૭૫ જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ હતી તેમાં ગુજરાતના ૫ જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે રાજય સરકારની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.
નાગરિકોને અદ્યતન સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધતાં નવી કોલેજોના નિર્માણથી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે. રાજ્યના દાહોદ જિલ્લામાં મેડીકલ કોલેજ કાર્યરત છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નવી મેડીકલ કોલેજ થતાં આદિવાસી નાગરિકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં લાખો પ્રવાસીઓને ત્વરીત સારવાર મળી રહેશે. રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજોમાં ભારત સરકારના ૬૦ % લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ % લેખે રૂ.૧૩૫ કરોડ મળી કુલ-૩ કોલેજો રૂ.૯૭૫ કરોડના ખર્ચે સ્થપાશે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો સાથે હયાત હોસ્પિટલોને અદ્યતન બનાવી પ્રથમ તબક્કે ૩૦૦ બેડની અને કોલેજ પૂર્ણ થતાં ૫૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૧૯ જિલ્લાઓમાં કુલ-૨૯ મેડીકલ કોલેજો કાર્યરત છે. રાજ્યમાં આ ૩૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત ૫૮૦૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.