(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા ચોમાસું સત્રના આજે પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને વિધાનસભા ઘેરાવ કરવાનો કાર્યક્રમ યોજી ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા ત્યારે પાટીદાર અગ્રણી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અને તે બાદ કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે શરૂ કરેલ આંદોલનને લઈને ભાજપ સરકાર દબાણમાં આવી જવા પામી છે. જેથી હવે લોકસભાની સામી ચૂંટણીએ વધુ કોઈ જોખમ ન લેવા માગતી ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો માટે કંઈક રાહત અથવા તો લાભકારો યોજના જાહેર કરે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આજે કોંગ્રેસના દેખાવોને પગલે પોતાની પ્રતિક્રિયા વખત નાયબ મુખ્યમંત્રીએ આપેલ નિવેદનમાં ખેડૂતો માટે અચ્છે દિન આવશે તેમ જણાવતા તેને સૂચક માની બે-એક દિવસમાં સરકાર કોઈ જાહેરાત કરે તેમ મનાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના દેવા માફી, વીજળી, પાણી, પાક-વીમા, પોષણક્ષમ ભાવ વગેરે ખેડૂતોના પ્રશ્નોને લઈને નિવેદનો દેખાવો સાથે જાણે એક રીતનું આંદોલન શરૂ કરી દીધું છે. અગાઉ પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે ૧૮ દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન હાથ ધરી ખેડૂતોના દેવા માફીની માગ રજૂ કરી હતી. તે પછી આ રીતે કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉપાડી લેવામાં આવતો અને આજે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજી દેખાવો યોજતા સરકાર જાણે ભીંસમાં મૂકાઈ જવા પામી હતી. જેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર વળતા પ્રહારો કરતું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ખેડૂતો માટે અચ્છેદિન આવશે તેવું નિવેદન આપતા તેને સૂચક માની આગામી દિવસોમાં ભાજપ સરકાર ખેડૂતોને લઈ કોઈ મોટી જાહેરાત કરે તેમ મનાઈ રહ્યું છે. સૂત્રો તો એવું પણ જણાવી રહ્યા છે કે સરકાર રાજ્યના ખેડૂતોના રૂા.બે લાખ સુધીના દેવા માફ કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ સામે પ્રતિક્રિયા આપતા આક્રમક પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ જુદા-જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ ધરી ભાજપનો વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે નિષ્ફળ રહેલ છે. ખેડૂતો અમારી સરકારની જાહેરાતથી ખુશ છે. હાલ ચોમાસું સત્ર ચાલે છે તેથી હાલ નહીં પરંતુ બે દિવસ પછી ખેડૂતોને ફાયદ થાય તેવી જાહેરાત કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.