(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૧૯
આણંદ જિલ્લાનાં કરમસદ ખાતે શુક્રવારે સરદાર પટેલનાં જીવન સંદેશને લઈને વડોદરા ઝોનની સ્ટેચ્યુ ઓફ યુનીટી એકતા રથયાત્રાને લીલી ઝંડી બતાવી રાજયનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલએ પ્રસ્થાન કરાવ્યું હતું.તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલી અર્પી હતી. આ પ્રસંગે પ્રારંભમાં કલેકટર દિલિપ રાણાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ સભાને સંબોધતા રાજયના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં હજારો નેતાઓ થઇ ગયા છે. તેમાંથી આવા નેતાઓની ગણના દેશ માટે અને કેટલાકની વિશ્વમાં દીર્ઘદ્રષ્ટિ, બુધ્ધિશાળી, પ્રજાપ્રિય નેતા તરીકે ગણના થાય છે. તેમાં શિરમોર સમાન સરદાર પટેલને એકતા, અખંડિતતાના મહાન શિલ્પી તરીકેની યાદગીરી આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહે અને પુણ્યશાળી બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રૂા. ૨૩૩૨ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે જે દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત બની રહેશે તેમ કહ્યું હતું. રાજયના પંચાયત મંત્રી અને આણંદના પ્રભારી મંત્રી જયદ્રથસિંહજી પરમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં સમગ્ર રાજયમાં એકતા યાત્રાનું પરિભ્રમણ થવાનું ત્યારે આ રથયાત્રામાં જનજન જોડાય અને સરદાર પટેલના એકતા-અખંડિતતાના સંદેશાને પહોંચાડી દેશના એકસૂત્રતાના તાંતણે બાંધવા જનજનને સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સરદાર પટેલના વારસદાર એવા સરદાર પટેલના ભત્રીજા ભૂપેન્દ્રભાઇ પટેલનું નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, સંસદસભ્યો દિલીપભાઇ પટેલ, દેવુસિંહજી ચૌહાણ, લાલસિંહ વડોદિયા, રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો ગોવિંદભાઇ પરમાર, મયુરભાઇ રાવલ, મનીષાબેન વકીલ, પૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલ, પ્રદેશ અગ્રણી ભાર્ગવ ભટ્ટ, જિલ્લા અગ્રણી મહેશભાઇ પટેલ, અમદાવાદના પૂર્વ મેયર અમીતભાઇ શાહ, પૂર્વ સંસદ સભ્ય દિપકભાઇ પટેલ આણંદ જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા, ખેડા જિલ્લા કલેકટર આઇ. કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.