કોંગ્રેસ પર આક્ષેપો કરી મોદી-શાહની ગૂડબુકમાં રહેવા પ્રયાસ કરતા

અમદાવાદ, તા.પ

સુરત ખાતેના કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પક્ષ પર કરેલા અનાપ સનાપ ભાષા પ્રયોગ અંગે આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે વર્ષોના અનુભવી નીતિન પટેલને મુખ્યમંત્રીનું પદ ન મળ્યું તે દુઃખ તેમના ભાષણમાં પ્રગટ થઈ રહ્યું હોય તેમ લાગે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારથી ગુજરાતમાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી નિમાયા છે. નીતિન પટેલને કદ પ્રમાણે રાજકીય રીતે વેતરી નાંખવામાં આવ્યા છે ત્યારથી નીતિન પટેલની વ્યથા-કથા જાહેરમાં પ્રગટ થઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રબ્બર સ્ટેમ્પ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દિલ્હીના એસએમએસ અને ઈમેઈલના ઈશારે નિર્ણય કરી રહી છે. આ અંગે નીતિન પટેલ ગુજરાતની જનતાને જણાવે. ગુજરાતની તિજોરીમાં પ્રજાના પૈસાના બેફામ રીતે બિનહેતુ અને માત્રને માત્ર સ્વપ્રસિદ્ધિ પાછળ વેડફી નાંખનાર ભાજપ શાસનના ૧પ વર્ષનો હિસાબ-જવાબ માંગતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કેગ જેવી બંધારણીય સંસ્થાએ જીએસપીસીના ઉજાગર કરેલ રૂપિયા ર૦,૦૦૦ કરોડની ગેરરીતિ અંગે નીતિન પટેલ કેમ મૌન છે ? ૧૭ વિવિધ કૌભાંડોમાં એક લાખ કરોડના ભ્રષ્ટાચાર અંગે ભાજપ શાસકો કેમ મૌન છે ? ટાટા નેનોને ૬૬,૦૦૦ કરોડના લાભો, અદાણી-અંબાણી, એસ્સાર સહિતના ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની ટેક્સ માફી, પાણીના ભાવે સસ્તી જમીન, સસ્તી વીજળી અંગે ભાજપ શાસકો મૌન કેમ છે ? છેલ્લા ૧૦ વર્ષમાં કિંમતી ખાણ-ખનીજની એક લાખ કરોડની ચોરી લૂંટફાટ અંગે ભાજપ શાસકો કેમ મૌન છે ? ગુજરાતને દેશનું અગ્રીમ દેવાદાર રાજ્ય બનાવનાર ભાજપ શાસકો કેમ મૌન છે ? રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોંગ્રેસ પક્ષ પર વજુદ વગરના ભાષા પ્રયોગો-આક્ષેપો કરીને ભાજપમાં અને ખાસ કરીને નરેન્દ્ર મોદી, અમિત શાહની ગૂડ બુકમાં રહેવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા હોય તેમ જણાય છે.