અમદાવાદ,તા.૩૦
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નરાજગીને લઈને શનિવારે નીતિન પટેલના ઘરે પાટીદાર અગ્રણીઓ અને નેતાઓ તેમને મળવા દોડી આવ્યા હતા. ત્યારે પાટીદારોની સંસ્થા એસપીજીના વડા લાલજી પટેલે પણ તેમના સમર્થકો સાથે નીતિન પટેલને મળવા ગયા હતા. ત્યારે એસપીજીએ તા.૧ જાન્યુઆરીએ મહેસાણા બંધનું એલાન આપ્યું છે. નીતિન પટેલની નારાજગીએ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. ત્યારે શનિવારે નીતિન પટેલને મળવા માટે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ તેમના સમર્થકો સાથે ગયા હતા. તેમને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે નીતિન પટેલ સમાજના અને પ્રજાના આગેવાન છે બે વખત સીએમ પદના દાવેદાર હતા. તથા અગાઉ આનંદીબહેન પટેલે અને ધારાસભ્યોએ પણ નીતિનભાઈને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. પરંતુ તે કેન્સલ કરી તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે બેસાડી દીધા ત્યારે ફરીથી તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવાની સાથે તેમને યોગ્ય ખાતા ન ફાળવીને ભાજપે નારાજ કર્યા છે. નીતિન પટેલની નારાજગી દુર નહી કરાય તો બે દિવસમાં તેનું પરિણામ ભોગવવું પડશે. ત્યારે નીતિન પટેલને થયેલા અન્યાયના વિરોધમાં અને તા.૧ જાન્યુઆરીએ મહેસાણા બંધનું એલાન આપ્યું છે. ત્યારે જો નીતિન પટેલને મુખ્યમંત્રી નહીં બનાવાય તો ગુજરાત બંધનું એલાન પણ આપીશું.